Site icon Revoi.in

ખાનગી શાળા સંચાલકોના દબાણને લીધે સરકાર પણ 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરશે નહીં

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.1થી 5 વર્ગો સિવાય બાકીના ધો. 6થી 12ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વાલીઓએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફીમાં 25 ટકાનો ઘટાડો કરીને રાહત આપવાની માગણી કરી છે. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર માટે રાજ્ય સરકાર ફીમાં કાપ ન મૂકવા અંગે વિચારણા કરી રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલે કે ઓફલાઇન, પરંતુ હવે શાળાઓને ફીમાં ઘટાડો કરવા માટે જણાવાશે નહીં તેમ શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધો.6થી 12ની  શાળાઓમાં  ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે અને તેઓને જે ખર્ચ આવી રહ્યો છે તે અગાઉની ફીના પ્રમાણમાં જ આવી રહ્યો છે. આથી જે કોરોના કાળ પહેલાંના સમયમાં હતો તે મુજબનો 100 ટકા ખર્ચ શાળાઓ કરી રહી છે. કોરોના કાળમાં જે તે વખતે અમુક અભ્યાસ સંલગ્ન પ્રવૃત્તિઓ અને શાળાની માળખાકીય પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે ખર્ચ ઘટ્યો હતો, તેથી ફી ઓછી કરવામાં આવી હતી, પણ હવે તેવું નથી. વગદાર શાળાના સંચાલકો પણ સરકાર પર દબાણ લાવીને ફી નહીં ઘટાડવાનું કહી રહ્યા છે. એટલે સરકાર પણ સંચાલકોના દબાણને લીધે ફી ઘટાડવાનો નિર્ણય લેશે નહીં. શિક્ષણ વિભાગે અગાઉ ડિસેમ્બર માસથી 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જે સંકેત આપ્યા હતા, તેમાં હાલ પૂરતી બ્રેક વાગી છે. રાજ્યમાં થોડા સમયથી કોરોનાના કિસ્સા વધવાના શરૂ થતાં હાલ શિક્ષણ વિભાગ આ માટે વિચારણા કરવા વધુ સમય લઈ શકે છે. જોકે બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ઘણું ઓછું છે તેવું એક તારણ પણ વિભાગના ધ્યાને છે, જેથી આ અંગેનો નિર્ણય ઉતાવળમાં નહીં લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.