Site icon Revoi.in

ગુજરાતમાં મુડી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર નવી પ્રોત્સાહક નીતિ જાહેર કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે ખૂબજ ઓછા કેસ નોંધાય રહ્યા છે. કોરોનાની મહામારી કાબૂમાં આવી ગઈ છે. સરકારે નિયંત્રણો ખૂબ હળવા કરી દેતા ઉદ્યોગ-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. સરકાર હવે રોજગારી વધારવા પર ભાર મુકી રહી છે તે માટે વધુને વધુ કોરાણકારો ગુજરાતમાં આવે તે દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

ગુજરાત સરકાર સામાન્ય રીતે કેટલાંક વર્ષોથી દેશ-વિદેશ અને રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ કરી રહી હતી, પણ કોરોનાને કારણે ગત વર્ષે વાઇબ્રન્ટ સમિટ બંધ રહેતાં હવે રાજયમાં મોટા ઉદ્યોગોને વધુ ને વધુ પ્રોત્સાહન આપીને મોટું રોકાણ મેળવવાની દિશામાં રાજ્ય સરકાર વધુ એક મહત્ત્વની નીતિ જાહેર કરવાની તૈયારીમાં છે. મોટા અને નવીનતમ પ્રોજેકટ માટેની પોલિસી 30 જૂને પૂરી થઈ ગયા બાદ હવે એને વધુ આકર્ષક બનાવીને નવી નીતિ ઘડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવતા મોટા તથા નવીનતમ ઉદ્યોગો માટેની નવી આકર્ષક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતીની બેઠક યોજવામાં આવી હતી. મેગા પ્રોજેકટ માટે કેવા આકર્ષણ સર્જવા એ માટે વ્યાપક મુદાઓ વિચારવામાં આવ્યા હતા. બેઠકમાં અનેક મહત્ત્વના પાસા વિચારવામાં આવ્યા હતા. મેગા પ્રોજેકટોને આર્થિક નાણાકીય માંડીને અનેકવિધ લાભો આપવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી.

રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ તથા પ્રદૂષણમુક્ત ઉદ્યોગક્ષેત્રે જંગી રોકાણ આવી રહ્યું છે. તેને વધુ આકર્ષક બનાવવા વધુ પ્રોત્સાહન આપવાનો વ્યૂહ છે. રાજ્યના અલગ અલગ વિભાગોને પણ સૂચનો મોકલવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂચિત નવી નીતિમાં નવા ક્ષેત્રોને પણ સામેલ કરવાનો સરકાર વિચારણા કરી રહી છે. લાંબા ગાળાના રોજગાર માટેના આશય સાથે ન્યૂનતમ રોકાણની મર્યાદામાં વધારો કરવાની વિચારણા છે.

સરકારની નવી નીતિ વિશે આખરી નિર્ણય લેતાં પૂર્વે સરકાર વિવિધ સંબંધિત વર્ગો તથા સંભવિત મોટા ઈન્વેસ્ટરો સાથે બેઠક કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવી નીતિ અંતર્ગત ટેકનોલોજીથી સજજ પ્રોજેકટો માટે વધુ પ્રોત્સાહન જાહેર થઈ શકે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં મેગા પ્રોજેકટોને અપાતા લાભ પ્રોત્સાહનોનો અભ્યાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને એના આધારે સૌથી વધુ આકર્ષક નીતિ ઘડવાનો વ્યૂહ છે. આવતા બે મહિનામાં નવી નીતિ જાહેર કરવાની સરકારની ગણતરી છે.