અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરી વટાવવાની તૈયારીમાં છે. અસહ્ય ભાવ વધારાથી વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે સકરારે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પોલીસી બનાવીને તેની એક સપ્તાહમાં જ જાહેરાત કરાશે.
ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ પોલિસી હેઠળ આવતાં 3 વર્ષની અંદર 1 લાખ કરતાં વધુ વાહનો રસ્તા પર દોડતાં થઇ જાય તેવું આયોજન છે. આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્સેન્ટિવ જાહેર કરશે, જેમાં વાહનની પડતર કીંમતના 20થી 40 ટકા જેટલું ઇન્સેન્ટિંવ જાહેર કરાઇ શકે છે. ગુરુવારે તેનું મુખ્યપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ થાય તે પેટ્રોલ-ડીઝલની બચત તો થાય પણ સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ ફાયદો થાય તેમ છે. ઈલેક્ટ્રિક વાહનો માટે પુરતું ઈન્ફાસ્ટ્રક્ચર ઊભુ કરાશે.રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે વીજ પૂરવઠો પ્રમાણમાં સસ્તા દરે પૂરો પડાશે. વપરાશકારોને પણ વીજળી મોંઘી નહીં પડે.
ઇલેક્ટ્રિક વાહનો, કારનું ઉત્પાદન કરતી ટેસ્લા જેવી કંપનીઓને ગુજરાતમાં આવવા સાનુકૂળ વાતાવરણ રહેશે. બેટરી ઉત્પાદકોને રોકાણ કરવા સહાય મળશે. રાજ્ય હાલ ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનનું હબ મનાય છે. હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ ઊંચા જઇ રહ્યા છે, ત્યારે લોકોને આ વાહનો સસ્તા પડશે. આ ઉપરાંત સરકારે ક્લાયમેટ ચેન્જને લઇને 2030 સુધીનો પ્લાન બનાવ્યો છે.