ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ગુરૂવારે હાઈકોર્ટમાં એફિડેવિટ સાથે જવાબ રજુ કરશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરીને સરકાર પાસે જવાબ માગ્યો હતો. જેની વધુ સુનાવણી આવતીકાલ તા. 15મી એપ્રિલનો રોજ હાથ ધરાશે.રાજ્ય સરકાર દ્વારા કોવીડ સારવાર માટે કરેલી કામગીરીનો અહેવાલ રજુ કરવા માટે થઈને આરોગ્ય વિભાગ અને કાયદા વિભાગ દિવસ રાત એક કરીને જવાબ તૈયાર કરી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવે કાયદા વિભાગ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક બોલાવી હતી..
રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. જેમાં ગત તા.12મી એપ્રિલે હાઈકોર્ટે સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ચૂંટણી માટે બુથ વાર આંકડા અને સોસાયટીઓનો ડેટા હોય છે તે આયોજનને કામે લગાડી રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈને સરકાર વધુ સક્રિય થાય તેવી સુચના આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર વતી કમલ ત્રિવેદીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે,ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે. ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. મોબાઈલ વાનથી સારવાર કરી છે. 141 પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપી છે. નર્સિંગ હોમને પણ કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કર્યા છે. એક દિવસમાં 1087 બેડના કોવિડ સેન્ટર ઉભા કર્યા છે. સમરસ હોસ્ટેલમાં પણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 70 ટકા ઓક્સિજન એ હેલ્થ સેકટર માટે રિઝર્વ રાખ્યા છે. 50 ટકા સરકારી કર્મચારીઓને કોવિડ થઈ ગયો છે. જ્યારે 17 હજારથી વધુ બેડ સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાલી છે.
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાઓની જાહેરાત કરવામાં આવી હતી લગ્ન કે અંતિમવિધિ કે ઉત્તરક્રિયામાં 50થી વધારે વ્યક્તિના એકઠાં થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેની સાથે જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કે સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાંવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોરોના નિયંત્રિત કરવા માટે થઈને સામાજિક ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી, અર્ધ સરકારી કે બોર્ડ, નિગમો તેમ જ કોર્પોરેશનોમાં 50 ટકા સ્ટાફ સુધી રાખવાની અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી છે. જો કે આ જોગવાઇ આવશ્યક સેવાઓને લાગુ પડશે નહીં. રાજ્ય સરકાર આવતીકાલ તા. 15મી એપ્રિલના રોજ સોગંદનામાં પર જવાબ રજુ કરશે