Site icon Revoi.in

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર છ નવા બિલ રજૂ કરશે

Social Share

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી 3.0 સરકાર સંસદમાં છ નવા બિલ રજૂ કરશે. આ નવા બિલોમાં ફાઇનાન્સ બિલ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટનો સમાવેશ થશે. ગુરુવારે (18 જુલાઈ) સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં નવા બિલોની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. ચોમાસુ સત્ર શરૂ થયા બાદ સરકાર 23 જુલાઈએ બજેટ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસુ સત્રની શરૂઆત પહેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદનો એજન્ડા નક્કી કરવા માટે ‘બિઝનેસ એડવાઈઝરી કમિટી’ની રચના કરી છે. બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં અનેક પક્ષોના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ચોમાસુ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઈઝરી કમિટીની રચના કરી છે. આ સમિતિમાં સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ), બૈજયંત પાંડા (ભાજપ), પી પી ચૌધરી (ભાજપ), લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ (ટીડીપી), અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી), નિશિકાંત દુબે (ભાજપ), ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ), સંજય જયસ્વાલ (BJP), દિલેશ્વર કામત (JDU), ભર્ત્રીહરિ મહતાબ (BJP), દયાનિધિ મારન (DMK), કે. સુરેશ (કોંગ્રેસ), અનુરાગ ઠાકુર (ભાજપ) અને લાલજી વર્મા (એસપી) સભ્ય છે.

ચોમાસુ સત્રની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે 21 જુલાઈ, રવિવારના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોના નેતાઓ ભાગ લેશે. આ દરમિયાન વિપક્ષ તરફથી તેમની માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવશે. સર્વપક્ષીય બેઠકની બેઠક અંગે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે અમારી પાર્ટીનો કોઈપણ નેતા બેઠકમાં હાજરી આપશે નહીં કારણ કે અમારી પાર્ટી 21મી જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે.