રાજકોટઃ શહેરના માધાપર ચોકડીએ બની રહેલા ઓવર બ્રિજના પાયામાં ડિઝાઈન કરતા નબળું લોખંડ વાપરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો વાયરલ થતાં રાજ્ય સરકારે ઓવરબ્રીજનું કામ અટકાવવાનો આદેશ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના માધાપર ચોકડી ઓવરબ્રિજમાં ડિઝાઈનમાં ફૂટિંગ એટલે કે પિલ્લરના પાયામાં 25 એમએમના લોખંડના સળિયા વાપરવાનો આદેશ હતો પણ સ્થળ પર તેનાથી નબળું 20 એમએમ લોખંડના સળિયા ઉપયોગમાં લઇ 35 ટકા ઓછું લોખંડ વાપરતા બ્રિજની મજબૂતાઈ 40 ટકા ઘટી ગઈ હતી.
આ ઉપરાંત ફૂટિંગના ચારેય ખૂણામાં એક એક 25 એમએમનો સળિયો મુકાયો છે જે યુક્તિ સરકારી એન્જિનિયરની સાંઠગાંઠ વગર શક્ય જ નથી. આમ કોન્ટ્રાક્ટર અને સરકારના આ કામનું સુપરવિઝન કરાતા અધિકારીઓની સાંઠગાંઠથી જ કૌભાંડ આચરાયુ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તે સ્થળ પર કામ કરવાની રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને કે તેના સ્ટાફ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.સરકારે આ મામલાની આખી તપાસ અધિક્ષક ઈજનેર આર. સી. ચૌહાણને સોંપી છે. આ માટે તમામ ડ્રોઈંગ, એમ.બી. જપ્ત કરાયા છે. હમણા જ કોંક્રિટ કામ કરાયું હોવાથી 7 દિવસ તેને જમાવીને રાખવું પડે ત્યારબાદ તેમાંથી કોંક્રિટના સેમ્પલ લેવાશે.
આ ઉપરાંત કટરથી કોંક્રિટ કાપીને તેની અંદર રહેલા સળિયાનું માપ લઈ સેમ્પલ મોકલવામાં આવશે. આ મામલે ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું છે કે બ્રિજના પાયાના ખૂણામાંથી સળિયાનું માપ લેવાનું નથી, વચ્ચેથી જ કોંક્રિટ કપાશે અને તેની વીડિયોગ્રાફી પણ તપાસ માટે કરવામાં આવશે. એવું કહેવામાંઆવી રહ્યુ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઈન્ડિયન સ્ટાન્ડર્ડ 456 મુજબ અને ટેન્ડરની ગુણવત્તાની શરતો મુજબ રેડી મિક્ષ કોંક્રિટ 1.5 મીટર વધુની ઊંચાઈથી સીધુ રેડી શકાય નહીં પણ માધાપર ચોકડીએ 20 ફૂટથી કોંક્રિટ ફેંકાતું હતું. આ કારણે કપચી અને સિમેન્ટ છૂટા પડે છે અને ક્ષમતા ઘટે છે તે અંગેનો અહેવાલ આપતા કોંક્રિટના પણ સેમ્પલ લેવાશે. (file photo)