રાજ્યમાં RTE અંતર્ગત ખાનગી શાળાઓને પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી સરકાર 30 ટકા વધુ ચુકવશે
અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત રાજ્યમાં તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો નબળા અને વંચિત જુથના બાળકોને ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 હજાર રૂપિયા છે પરંતુ હવે આ રકમ વધારીને 13 હજાર કરવામાં આવી છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ મંળવેલા વિદ્યાર્થીઓની સંરકાર પાસેથી લેવાતી ફી માં વધારો કરવાની શાળા સંચાલકોની માગણી હતી. તેથી સરકારે ફીમાં વધારો કરી આપ્યો છે. હવે ખાનગી શાળાઓને RTEના બાળકની મળતી ફીમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો પર નબળા-ગરીબ વર્ગના વાલીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવાની હોય છે. પુરતી ચકાસણી બાદ શિક્ષણાધિકારીની ભલામણને આધારે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. અને સરકારની ભલામણથી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી પણ સરકાર દ્વારા ચુકવવામાં આવતી હોય છે. અગાઉ RTE હેઠળ ખાનગી સ્કૂલોની સરકાર દ્વારા બાળકોની ફી પેટે 10 હજાર રૂપિયા ચૂકવવામાં અવતા હતા જે હવે વધારીને 13 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.ખાનગી શાળાઓને મળતી ફી માં હવે 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RTE ના નિયમ મુજબ સરકારે નક્કી કરેલ ફી અને સ્કૂલે નક્કી કરેલ ફી આ બંનેમાંથી જે ફી ઓછી હશે તે મુજબ સરકાર સ્કૂલને તે ફી ચૂકવશે.
વાલી મંડળે માગ કરી છે કે આરટીઇમાં એડમિશન મેળવેલા તમામ વાલીના દસ્તાવેજોની ચકાસણી શિક્ષણ વિભાગે કરવી જોઇએ. ખાનગી સ્કૂલો ગેરરીતિ કરનારા વાલીઓ પાસેથી રેગ્યુલર ફી ભરાવીને તેઓની ગેરરીતિ જાહેર કરતા નથી. જ્યારે ગેરરીતિ કરનારા વાલીને કારણે ગરીબ વાલીના બાળકના શિક્ષણ પર અસર થાય છે, માટે જ શિક્ષણ વિભાગે પોતાના અધિકારીઓ પાસે દસ્તાવેજોની ચકાસણી કરવી જોઇએ. કોરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતી કથળતા આ વર્ષે સૌથી વધુ બાળકોએ આરટીઇ હેઠળ એડમિશન મેળવવા માટે અરજી કરી છે. પરંતુ તેની સામે આરટીઇની સીટો મર્યાદિત હોવાથી તમામ વાલીઓને લાભ મળી શક્યો નથી.