અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં એકલાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડા સમી જતાં જ સરકારે રાહતની કામગીરી હાથ ધરી છે. દરમિયાન રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને પાંચ દિવસના 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે.
રાજ્યના મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલા વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવ્યો હતો. બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી હતી. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
રાજ્ય સરકારે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સ્થળાતર કરાવીને સલામત સ્થળોએ આશરો આપ્યો હતો. અને ભોજન સહિતની સુવિધા પણ આપી છે. આવા સ્થળાતરિત થયેલા લોકોને કેશડોલ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.