કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ ક્ષેત્રના કલાકારોના પરિવારને સરકાર આર્થિક સહાય આપશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં કલાકારો પણ બાકાત નથી. કલાકારોના પરિવારજનોને આર્તિક સહાય આપવા સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. આથી કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ કલાક્ષેત્રના કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. અને આ માટે ગુજરાતના તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીઓને કોરોનાથી મૃત્યુ પામેલા કલાકારોની યાદી તૈયાર કરીને 31 જુલાઈ સુધીમાં ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યા છે.
ગુજરાત માટે કોરોના કાળ કપરો રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિ બાકાત રહ્યો નથી તો બીજી તરફ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં કલાક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યક્રમો જેવા કે નૃત્ય લોકકલા ડાયરા નવરાત્રિ, નાટકો, પપેટ શો સહિત અન્ય મનોરંજક કાર્યક્રમો કોરોનાની મહામારી ના કારણે રાજ્યમાં આયોજિત થઇ શક્યા નથી જેના કારણે વિવિધ કલાક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારોની હાલત દયનીય થઇ ગઈ છે એટલું જ નહિ વધતી જતી મોંઘવારીના કારણે માત્ર પોતાની કલા ઉપર જ જીવન નિર્વાહ કરતા કલાકારોને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે યક્ષપ્રશ્ન બન્યો છે.
ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોનાની મહામારીમાં જે કલાકારો ના મૃત્યુ થયા છે તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે જ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના રમતગમત અધિકારીઓને કોવિડ 19માં મૃત્યુ પામનારા કલાકારોની યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે જે કલાકારોના મૃત્યુ થયા છે તેવા કલાકારોને રાજ્ય સરકાર કેટલીક શરતોને આધિન આર્થિક સહાય ચૂકવશે જેમાં એક કે વધુ કલાના ક્ષેત્રમાં કલાકારે ઓછામાં ઓછો 10 વર્ષનું યોગદાન આપેલું હોવું જોઈએ.
તેમજ તેમના પરિવારની વાર્ષિક આવક મર્યાદા 2 લાખની હોય અને તે કલાકારનું કોવિડથી મૃત્યુ થયું હોય તેવા જ કલાકારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ કામગીરી માટે જે તે જિલ્લાના યુવા વિકાસ અધિકારી તેમજ રમતગમત અધિકારી એ જે તે જિલ્લાના કલાક્ષેત્ર સાથે જોડાયેલા કલાકાર ના મૃત્યુ પામનારા કિસ્સાઓની કરાઈ અને તેનો સર્વે કરવાનો રહેશે અને આગામી 31 જુલાઇ સુધીમાં ગાંધીનગરથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરીમાં તેના નામ સહિતની વિગતો મોકલવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.