Site icon Revoi.in

ગુજરાતના ખેડુતોને મોબાઈલ સ્માર્ટફોન માટે સરકાર રૂ.1500ની સહાય આપશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજનાને સરકારે મંજૂરી આપી છે. જે મુજબ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા બદલ મહત્તમ 1500 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજનાનો એક લાખ ખેડુતોને જ લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા ખરીદ કરાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા અથવા 1500 રૂપિયા બેમાંથી જે ઓછી હોય તે રકમ ચૂકવવા પાત્ર થશે. એટલે કે જો ખેડૂત દ્વારા 8 હજાર રૂપિયાનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવે તો 800 રૂપિયાની સહાય મળશે પરંતુ 15 હજારથી વધુની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદાય તો મહત્તમ 1500 રૂપિયાની જ સહાય મળશે. રાજ્ય સરકારે આ યોજના માટે 15 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે જેથી રાજ્યના નોંધાયેલા અંદાજે 50 લાખ ખેડૂત ખાતેદારો પૈકી માત્ર 1 લાખ ખેડૂતો જ આ યોજનાનો લાભ લઇ શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેટલા ખેડુતોને મોબાઈલ ફોન યોજનાનો લાભ આપવો તેની સંખ્યા પણ પ્રોરેટા પ્રમાણે જિલ્લાવાર નક્કી કરવામાં આવશે. સંયુક્ત ખાતું હોય તેવા કિસ્સામાં માત્ર એક ખાતેદારને જ આ સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોએ આ સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સહાય મંજૂર થવાના 15 દિવસમાં ખેડૂતોએ સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે. ત્યારબાદ મોબાઇલનું જીએસટી નંબર ધરાવતું અસલ બિલ, મોબાઇલનો આઇએમઇઆઇ નંબર, 8-અની નકલ, રદ કરેલો ચેક અને આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ સીધી જમા કરાશે.