અમદાવાદ: અંગ્રેજી હવે વિશ્વની ભાષા બની ગઈ છે ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાની સરકારે વિચારણા કરીને પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું લક્ષ્ય સેવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 33,000 સ્કૂલો સરકાર સંચાલિત છે અને તેમાંથી 98 ટકા શાળાઓ ગુજરાતી મીડિયમની છે. શહેરોમાં ઘણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત છે. રાજ્યની 106 સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન 56 સ્કૂલો ચલાવે છે. સરકાર નવી સ્કૂલો જિલ્લા અને તાલુકા સ્તરે હાલ જે સાધન-સંપત્તિ છે તેનો ઉપયોગ કરીને જ શરૂ કરશે. સાથે જ નવા શિક્ષકોની ભરતી પણ કોન્ટ્રાક્ટના આધારે કરાશે. અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવાની સૌથી વધુ માગ અરવલ્લી જિલ્લામાંથી થઈ છે. અહીં 12 સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. ત્યારબાદ મહેસાણામાં સાત સ્કૂલોનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજી માધ્યમની 6 સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ અને સુરતમાંથી ત્રણ-ત્રણ સ્કૂલોનો પ્રસ્તાવ આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો પૈકીનું એક છે કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પહેલા અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા અને હવે તેમને ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સફર થવું પડ્યું છે કારણ કે, રાજ્યમાં સરકાર સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે. કોરોના મહામારીના સમયગાળામાં ખાનગી સ્કૂલોમાંથી નામ કઢાવી લેનારા અસંખ્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તેવું લક્ષ્ય હોવાનું અગાઉ સરકાર જણાવી ચૂકી છે. 21 સપ્ટેમ્બરના પરિપત્રમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરશે. સરકાર સંચાલિત અન્ય સ્કૂલોની જેમ આ સ્કૂલોમાં પણ શિક્ષણ વિના મૂલ્યે આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, માર્ચ 2020માં ગુજરાતમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આશરે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી દીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 2.82 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી છે. કોરોના મહામારી દરમિયાન શહેરો અને ગ્રામ્ય જિલ્લાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક ઘરના મોભીના મોત થયા છે અને ઘણાંની નોકરી છૂટી ગઈ છે, જેના લીધે આર્થિક તંગી થઈ છે. પરિણામે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છોડીને વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી છે. આવા સમયમાં ઘણાં વાલીઓને ખાનગી સ્કૂલોની સરેરાશ વાર્ષિક 15,000થી 30,000 રૂપિયાની ફી ચૂકવવામાં પણ મુશ્કેલી થઈ હતી. (file photo)