સરકાર આ દિવસથી કોલ બ્લોકની હરાજીનો સાતમો રાઉન્ડ શરૂ કરશે
- કોલ બ્લોકની થશે હરાજી
- હરાજીનો સાતમો રાઉન્ડ થશે શરુ
- 106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે
- સરકાર બુધવારથી કરશે શરૂઆત
- કોલસા મંત્રાલયે આપી માહિતી
દિલ્હી : સરકાર બુધવારે કોલસાની ખાણોની કોમર્શિયલ હરાજીના સાતમા રાઉન્ડની શરૂઆત કરશે. આમાં 106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે. કોલસા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે તે હરાજીના છઠ્ઠા રાઉન્ડમાં સમાવિષ્ટ 28 કોલ બ્લોક્સ માટે કરાર પર હસ્તાક્ષર કરશે.
નિવેદન અનુસાર, “કોલસા મંત્રાલય છઠ્ઠા રાઉન્ડમાં હરાજી કરાયેલ 28 કોલસાની ખાણો માટે કરાર પર હસ્તાક્ષર કરશે. આ સાથે, કોલ બ્લોકની હરાજીનો સાતમો રાઉન્ડ 29 માર્ચ, 2023ના રોજ યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હરાજીમાં સામેલ 28 કોલસાની ખાણોની મહત્તમ ક્ષમતા વાર્ષિક 74 મિલિયન ટન છે.
મહત્તમ ક્ષમતા પર આ ખાણોમાંથી વાર્ષિક આવક રૂ. 14,497 કરોડ હોવાનો અંદાજ છે. આ ખાણો ચાલુ થવાથી એક લાખ લોકોને રોજગાર મળવાની આશા છે. બુધવારથી શરૂ થયેલી હરાજીના સાતમા રાઉન્ડમાં 106 કોલસાની ખાણોમાંથી 95 નોન-કોકિંગ કોલ માઈન, એક કોકિંગ કોલ માઈન અને 10 લિગ્નાઈટ ખાણો છે.
ટેન્ડર દસ્તાવેજોનું વેચાણ 29 માર્ચ, 2023થી શરૂ થશે. ખાણોની વિગતો, હરાજીની સ્થિતિ, સમયરેખા વગેરે એમએસટીસી હરાજી પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. આવકની વહેંચણીના ધોરણે પારદર્શક રીતે બે તબક્કામાં ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ હશે અને હરાજીના આગળના રાઉન્ડની શરૂઆત કરશે. કેન્દ્રીય કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.