કોરોના સંક્રમણઃ સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંથી 50 ટકા પથારીઓ હસ્તક કરશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ વધારવામાં આવ્યાં છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ફરી સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ કોરોના સંક્રમણ વધ્યું ત્યારે ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ રાજ્ય સરકારે પોતાની હસ્તક લીધી હતી. ત્યારબાદ સંક્રમણ ઘટતા સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી વધુ પથારીઓ ખાલી થઈ હતી. હવે ફરી સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે.
તેમણે ઉમેર્યું હતું કે, સીએમ ડેશબોર્ડના માધ્યમથી કોવિડ હોસ્પિટલોમાં તબીબો, આરોગ્યકર્મી – સારવારગ્રસ્ત વ્યક્તિઓ સાથે સંવાદ કરી તલસ્પર્શી માહિતી મેળવાય છે. ઉપરાંત હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહેલા દર્દીઓની તેના પ્રિયજનો ખબર અંતર પૂછી શકે તે માટે આરોગ્યકર્મીઓ મોબાઇલ ફોનથી વિડીયોકોલ કરી આપતા હતા.