અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા બાદ તેને ખાનગી શાળામાં એડમિશન આપવું ફરજિયાત છે. જો કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઈનકાર કરે છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા સંચાલકની શાળાની માન્યતા રદ થવા સુધીના પગલા લેવાઈ શકે છે. માટે જે ગરીબ બાળકને પ્રવેશ આપવામાં કોઈ સંચાલક ધક્કા ખવડાવે છે કે પ્રવેશ આપવામાં ઈનકાર કરે છે, તો જિલ્લા શિક્ષણ અધિકારી હેલ્પલાઈન પર ફરિયાદ કરવા સૂચના આપવામં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સ્વનિર્ભર યાને ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની છેલ્લા 15 દિવસથી પ્રક્રિયા ચાલી રહી હતી. જેને લઈને રાજ્યમાં આ વખતે અંદાજે 83 હજાર બેઠકો માટે અંદાજે 96 હજાર જેટલી અરજીઓ આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ખોટી રીતે પ્રવેશ ન મેળવી શકે તે માટે આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી હતી અને નિયમોનો પણ કડક અમલ કરવામાં આવ્યો. જેના પગલે ગત વર્ષે એક લાખ 93 હજાર જેટલી અરજીઓ આવી હતી, તેની સામે આ વખતે માત્ર 96 હજાર અરજીઓ જ પ્રવેશ માટે આવી છે. જેના કારણે આ વખતે પ્રવેશ મેળવવામાં ધસારો નહીં થાય એવું અધિકારીઓનું માનવું છે. હાલ ફોર્મની સ્ક્રુટીની કરવામાં આવી રહી છે અને તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ આગામી 10થી 15 દિવસમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે શાળાના સંચાલકોને પણ ખાસ આદેશ કરવામાં આવ્યો છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકને પ્રવેશ આપવામાં ઈનકાર કરવો નહીં. જો કોઈ સંચાલક પ્રવેશ આપવાનો ઈનકાર કરશે અને તેની ફરિયાદ મળશે તો પ્રથમ 10 હજારનો દંડ, બીજીવાર 25 હજારનો દંડ અને ત્યાર બાદ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે. આ ઉપરાંત વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, જો કોઈ શાળાનો સંચાલક પ્રવેશ આપવામાં ઈનકાર કરે છે કે પછી પ્રવેશ માટે ધક્કા ખવડાવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયેલી હેલ્પલાઈન પર ફરિયાદ કરે. કચેરીએ રુબરુ આવીને પણ વાલી શાળા સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.