Site icon Revoi.in

કોરોનાને વિશેષ બીમારીની શ્રેણીમાં સમાવવાની સરકારની વિચારણા, આવકવેરામાં મળી શકે છે રાહત

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો અમેરિકા સહિતના કેટલાક દેશોમાં રસીકરણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં તા. 16મી જાન્યુઆરીથી રસીકરણનો આરંભ કરવામાં આવશે. દરમિયાન કેન્દ્ર સરકાર કોરોનાવાયરસને વિશેષ બીમારીની શ્રેણીમાં સમાવવાનું વિચાર કરી રહી છે. તેમજ કોરોના બીમારી માટે જેમણે ખર્ચ કર્યો છે તેમને આ ખર્ચ પર આવકવેરામાં છૂટછાટ મળી શકે તે માટે પણ સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં આ મુજબની જાહેરાત કરી શકે છે અને આવકવેરા ધારાની કલમ હેઠળ આ રાહતની જાહેરાત થઈ શકે છે. જો આમ થાય તો કોરોનાવાયરસ બીમારી પર ખર્ચો કરનારા લોકોને છૂટછાટ મળશે. નાણા મંત્રાલય તરફથી એવા સંકેતો મળ્યા છે કે જે લોકો પાસે કોઈ પણ પ્રકારના આરોગ્ય કે મેડિકલ વીમા ઉપલબ્ધ નથી તેમને રાહત આપવાનો વિચાર થઈ રહ્યો છે અને આ લોકોએ કોરોનાવાયરસ બીમારી માટે ખર્ચ કર્યો હોય તેના પર આવકવેરા છૂટછાટ આપવા માટે સુધારા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલના સમયમાં કેન્સર સહિત બે ડઝન જેટલી બીમારીઓના ખર્ચ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી રહી છે અને હવે કોરોનાવાયરસ પર થયેલા ખર્ચમાં પણ છૂટ મળે તેવી શક્યતા છે.