દેશમાં મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારનો નિર્ણય, માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા વેચશે
નવી દિલ્હીઃ મોંઘવારી સામે લડવા માટે સરકારે ભારત બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા કેન્દ્ર સરકારે દેશમાં ભારત આટા અને ભારત દળની શરૂઆત કરી હતી. હવે ભારત બ્રાન્ડ હેઠળ ભારત ચોખા આવવાનો નિર્ણય કરાયો છે. તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવશે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ભારત ચોખાના લોન્ચની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ‘ભારત ચોખા’ બ્રાન્ડનું વેચાણ NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા), NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) અને કેન્દ્રીય ભંડાર દ્વારા કરવામાં આવશે. અગાઉ સરકારે ચોખાના વધતા ભાવ અંગે વેપારીઓને ચેતવણી આપી હતી.
સરકારે કહ્યું કે, નોન-બાસમતી ચોખાની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જ્યારે સરકાર તેને લગભગ 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપારીઓને ઉપલબ્ધ કરાવી રહી છે. સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લીધો હતો. કેન્દ્ર સરકારે તાજેતરમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ‘ભારત આટા’ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 6 નવેમ્બરે દિલ્હીમાં આ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ ‘ભારત અટ્ટા’ 10 અને 30 કિલોના પેકમાં ઉપલબ્ધ છે. તે નાફેડ, એનસીસીએફ, સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ વેચવામાં આવે છે. ભારત અટ્ટા લગભગ 2000 રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ માટે સરકારી એજન્સીઓને 2.5 લાખ મેટ્રિક ટન ઘઉં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે અને બ્રાન્ડેડ લોટની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે. ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે લોટના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો હતો. હાલમાં સરકાર પણ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. આ ઉપરાંત ‘ભારત દાળ’ (ચણાની દાળ) પણ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.