- મહિલાઓ માટે સારા સમાચાર
- મહિલાઓની વધી શકે છે આવક
- સરકારનો પ્લાન
દેશમાં મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, કેટલીક કંપનીઓમાં મહિલાઓ અને પુરુષોના વેતનમાં જોરદાર ભેદભાવ જોવા મળતો હોય છે અને તેને હવે દુર કરવા માટે સરકાર દ્વારા વધારે કડક અને યોગ્ય પગલા લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મહિલાઓની આવકમાં વધારો થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે આવકના મામલે સ્વ-સહાય જૂથની મહિલાઓ માટે સારા સમાચાર આપ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ મહિલાઓને સ્વ-સહાય જૂથો (SHG) સાથે જોડીને તેમની વાર્ષિક આવક વધારવા માટે ‘મિશન 1 લાખ’ની શરૂઆત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી સિંહે કહ્યું કે SVAMITVA અને ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. આ મિશનનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથની સદસ્ય બનાવવાનો છે અને દર વર્ષે 1 લાખ રૂપિયા કમાવવાનો છે. ‘મિશન 1 લાખ’ નો ઉદ્દેશ્ય એસએચજી મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા સુધી પહોંચાડવાનો છે.
રાષ્ટ્રીય પંચાયત દિવસ પર તેમણે કહ્યું કે ગામડાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવીને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ વાઇબ્રન્ટ પંચાયતો બનાવવા માટે ટાઉન પ્લાનિંગ જેવી પંચાયતોનો માસ્ટર પ્લાન તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સૂચન કર્યું હતું કે સુધારેલી ગ્રામીણ વિસ્તાર વિકાસ યોજનાની રચના અને અમલીકરણ દ્વારા સામાજિક માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિ, માર્ગ અને પરિવહન નેટવર્ક જેવા વિકાસની પ્રક્રિયાને મળશે એક નવી દિશા. તેમણે પંચાયતોને સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસની વિભાવના વિકસાવવા અને વિકાસ પ્રક્રિયામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી.