કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારનું આગોતરૂ આયોજનઃ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. લોકો કોરોનાનો ડર રાખ્યા વિના છૂટથી હરવા-ફરવા લાગ્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. કોરોનાનો પ્રથમ વેવ કરતા બીજો વેવ ઘાતક રહ્યો હતો. હવે કેટલાક નિષ્ણાતો કોરોનાના ત્રીજા વેવની આગાહી કરી રહ્યા છે. ત્યારે સરકારે પણ સંભવિત ત્રીજા વેવ કદાચ આવે તે પહેલા આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને ગુજરાત સરકારે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીજી લહેરમાં દરમિયાન બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની બાબતોને લઈને લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી લહેરની નિષ્ફળતામાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે હવે ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે વિસ્તૃત રણનીતિ જાહેર કરી હતી. સરકારે ટાસ્ક ફોર્સના નિષ્ણાંતો, જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા સરકારી હોસ્પિટલના ડૉક્ટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ એક્શન પ્લાનને આખરી ઓપ આપ્યો હતો.
એક્શન પ્લાનના ભાગરૂપ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર અને અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉભી કરાયેલી હોસ્પિટલોની તર્જ પર અન્ય વિસ્તારોમાં ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલો ઉભી કરાશે. તથા આગામી ત્રણ મહિનામાં રાજ્યની 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં આરટીપીસીઆર (રીવર્સ ટ્રાન્સસ્ક્રીપ્શન-પોલીમર્સ ચેઇન રીએક્શન) ટેસ્ટીંગની સુવિધા ઉભી કરાશે તથા રાજ્યની ટેસ્ટિંગ કેપીસીટ રોજના 1.25 લાખ ટેસ્ટની થશે. આ સાથે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ પણ ઝડપથી ભરવાનો નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં કોરોનાની સ્થિતિ, સારવાર પર સીધા નિયંત્રણ માટે દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની સ્થાપના કરાશે.
દરેક સેન્ટર પર મુખ્યમંત્રીકક્ષાએથી સૂચનાઓ અપાશે. RTPCR લેબની સંખ્યા 104થી વધારીને 155 તથા RTPCR ટેસ્ટ મશીનોની સંખ્યા 234થી વધારીને 285 થશે. સિટી સ્કેન મશીન 18થી વધારી 44 કરાશે. ટેસ્ટની ક્ષમતા 75 હજારથી વધારીને દૈનિક 1.25 લાખ ટેસ્ટની કરાશે. કોવિડ ફેસિલિટી 1800થી વધારીને 2400 કરાશે. બાળકો માટેના બેડ 2000થી વધારીને 4000 થશે. બાળકો માટેના વેન્ટિલેટર 500થી વધારીને 1 હજાર થશે. ઓક્સિજન બેડ 61000થી વધારી 1.10 લાખ થશે. ICU બેડની સંખ્યા 15 હજારથી વધારીને 30 હજાર થશે. રાજ્યભરમાં 15 હજારથી વધારે કોવિડ આઇસોલેશન સેન્ટરો ચાલુ રખાશે.
વેન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારીને 15 હજાર કરાશે. ઓક્સિજનની ક્ષમતા 150 મેટ્રીક ટનથી 1800 મેટ્રીક ટન કરાશે. પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ની સંખ્યા 24થી 400 તથા પીએસએ પ્લાન્ટની ક્ષમતા 20 મેટ્રીક ટનથી 300 મેટ્રીક ટન કરાશે. ઓક્સિજન કન્સેન્ટ્રેટરની સંખ્યા 700થી વધારીને 10,000 કરાશે. રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિલિઝુમેબ, ફેવિપેરાવીર સહિતની દવાઓનો પૂરતો જથ્થો અગાઉથી મેળવીને સ્ટોક કરવામાં આવશે.