Site icon Revoi.in

કચ્છના સફેદ રણનો નજારો માણતા રાજ્યપાલ, પ્રવાસે આવેલા શાળાના બાળકો સાથે કરી ગોષ્ઠી

Social Share

ભૂજઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી ધોરડો ખાતે સફેદ રણની મુલાકાતે પધાર્યા છે. ઢળતી સાંજે સનસેટ પોઇન્ટ પર તેઓ સફેદ રણની શ્વેતવર્ણી ધરતી પર સુર્યાસ્તની સોનેરી આભા પથરાતી નિહાળીને રોમાંચિત થયા હતા. રણમાં તેમણે કચ્છી પરંપરાગત ઊંટગાડીની સવારી પણ કરી હતી.

રાજ્યપાલએ રણોત્સવમાં તાજેતરમાં શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરવાતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ નિહાળ્યો હતો. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી રાજ્યપાલ કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત અને વર્તમાનના સાક્ષી બન્યા હતા.

રણમાં ઉપસ્થિત પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકોને મળીને રાજ્યપાલએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન તેમણે બાળકોને “ખૂબ પઢો, ખૂબ આગે બઢો” એવી શુભકામનાઓ પાઠવી હતી.

કચ્છના રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન સાથે વાતચીત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે આ રણ ભૂમિ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ બન્યું તેની માહિતી મેળવી હતી. મિયાં હુસેને તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે અમે આ ગામ ખાલી કરીને જવાનું વિચારતા હતા અને આજે સફેદ રણ અને રણોત્સવના કારણે આખી દુનિયા અહીં આવે છે. આ રણ વિસ્તાર કેવી રીતે તબક્કાવાર વિશ્વ પ્રવાસનના મહત્ત્વનાં કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો અને આ વિસ્તાર સહિત સમગ્ર કચ્છના કલાકારોને રાજગારી પણ મળી વગેરે વાત કરી હતી.  તેમણે રણોત્સવના કારણે ધોરડો વિલેજની બદલાયેલી દિશા, કચ્છના પશુધન અને બન્નીના ઘાસની વિશેષતાઓની માહિતી રાજ્યપાલને આપી હતી.