વિકસિત ભારત સંકલ્પ યાત્રા પુંધરા ગામે પહોંચતા રાજ્યપાલ જોડાયા, લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ પહોંચી રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમવારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામે જોડાયા હતા. પ્રવેશદ્વારે જ મંદિર પરિસરમાં તેમણે ગ્રામ સફાઈ કરી હતી. 50 દિવસથી વધુ સમયથી ભારતભરમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, સોમવારે ભારત પોતાની વિરાસત, સંસ્કૃતિ, જીવનશૈલી, રહેણી-કરણી, ભાષા અને ખાન-પાન પર ગર્વ લઈ શકે એવા દિવસો આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર થઈ રહેલા ભારત ભણી આજે આખું વિશ્વ મીટ માંડીને બેઠું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની પ્રતિબદ્ધતા સાથે ભારત પોતાની પ્રગતિ પર ગૌરવની અનુભૂતિ કરી રહ્યું છે.
ભારત સર્વાંગી પ્રગતિ કરી રહ્યું છે. તમામ ઘરોમાં નળથી જળ પહોંચી રહ્યું છે. બહેનો રાંધણ ગેસ પર રસોઇ કરી રહી છે. સૌને રહેવા માટે ઘર મળી રહ્યાં છે. ખેતરોમાં સિંચાઈના પાણી પહોંચી રહ્યાં છે. તમામ ગામો પાકા માર્ગોથી જોડાયા છે. રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. નર્મદાના નીર ઘેર-ઘેર પહોંચ્યા છે. સુરક્ષાના શસ્ત્રો આયાત કરવા પડતા હતા તેને બદલે ગુજરાતના વડોદરામાં ઉત્પાદન થઈ રહ્યું છે, એટલું જ નહીં આપણે નિકાસ પણ કરી રહ્યા છીએ. ગુજરાતના અને ભારતના રેલ્વે સ્ટેશનનોની કાયાપલટ થઈ ગઈ છે. દર 20 દિવસે એક નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લૉન્ચ થઈ રહી છે. ગુજરાત અને ભારત સરકારની 70 જેટલી લોકકલ્યાણની યોજનાઓના લાભો વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. આ કંઈ નાની સુની ઉપલબ્ધિ નથી, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે જેવા રામરાજ્યની કલ્પના કરી હતી, એવું જ રામરાજ્ય સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે તમામ નાગરિકોએ પણ પોતાનો કર્તવ્યધર્મ નિભાવવો જોઈએ. દેશની પ્રગતિમાં પોતાનો શક્ય તમામ સહયોગ આપવો જોઈએ. પોતાની ઉન્નતિની સાથોસાથ રાષ્ટ્રની-સમાજની ઉન્નતિ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો શક્ય તમામ લોકો સુધી પહોંચાડવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલ, મહાનુભાવો અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરીને પ્રસંગોચિત સંબોધન કરતાં માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે જણાવ્યું હતું કે,આઝાદીના 100 વર્ષ બાદ વર્ષ – 2047માં ભારત સમગ્ર વિશ્વમાં ઝળહળે અને આવનારી પેઢીને વિકસિત રાષ્ટ્ર આપી શકીએ તેવો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. આ પ્રસંગે તેમણે માણસા વિસ્તારમાં મંજૂર થયેલ નવીન અત્યાધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, પાણી માટે અંબોડ પાસે બેરેજ, નવી રેલ્વે લાઇન, સ્પોર્ટ્સ સંકુલ, ચારમાર્ગીય રોડ સહિતના વિકાસ કામો માટે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.