અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલની રાજ્યપાલે મુલાકાત લઈને કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ નિહાળી
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુક્રવારે અમદાવાદ મધ્યસ્થ જેલની મુલાકાત લઈને ઑપન જેલમાં ચાલતી પ્રવૃત્તિઓ નિહાળી હતી. ખેતી અને ઔષધિય વનની મુલાકાત લીધી હતી. ગુજરાતની વિવિધ જેલોમાં ચાલતી ઔદ્યોગિક અને કેદી કલ્યાણની પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અમદાવાદ સેન્ટ્રલ જેલના કેદીઓને સંબોધતાં કહ્યું હતું કે, જેલવાસનો સમય એ પ્રાયશ્ચિતનો સમય છે. સકારાત્મક અને સર્જનાત્મક અભિગમ રાખીને જેલમાં મળતી તાલીમ લઈને હુન્નર કેળવો અને જેલની બહાર જઈને આદર્શ જીવન જીવો. જીવનમાં એટલો સુધારો લાવો કે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની શકો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મનુષ્યથી જાણતા-અજાણતા, આવેશમાં કે ક્રોધમાં ભૂલો થઈ જતી હોય છે. રાષ્ટ્ર અને સમાજના કાયદો વ્યવસ્થા વ્યક્તિને સ્વચ્છંદ થતાં અટકાવે છે. કરેલા અપરાધની સજા તો હર કોઈએ ભોગવવાની જ છે. કોઈ વ્યક્તિ જન્મથી જ ખરાબ નથી હોતી, વ્યક્તિમાં રહેલા ખરાબ ગુણો જ ખરાબી છે. આ ખરાબીઓને દૂર કરવાની જરૂર હોય છે. ભૂલ થઈ, કાયદાએ દંડ પણ આપ્યો. કરેલા કર્મોનું ફળ તો દરેકે ભોગવવાનું જ હોય છે. સજાના આ સમયગાળાને ઉજ્જવળ ભાવી જીવન માટે ભાથું બાંધવાના સમય તરીકે લેવાની જરૂર છે.
કેદીઓમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાંથી અને ખેતી વ્યવસાયમાંથી હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને જેલમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લેવાનો અનુરોધ કર્યો હતો. અમદાવાદ મધ્યસ્થ જેલમાં ગૌશાળા પણ છે. તેમણે જેલના વહીવટીતંત્રને ઑપન જેલમાં પ્રાકૃતિક ખેતીનું આદર્શ ફાર્મ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. કેદીઓ પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈને બહાર જઈને પ્રાકૃતિક ખેતી કરતા થશે તો તે પણ સમાજની મોટી સેવા હશે એમ તેમણે કહ્યું હતું. જેલ સુધાર અને કેદી કલ્યાણ પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જેલ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉચ્ચ અભ્યાસથી લઈને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી રહી છે. જે વ્યક્તિને જેમાં રુચિ અને શોખ હોય એ કામમાં નિપુણતા કેળવો, અને ‘જાગ્યા ત્યારથી સવાર’ માનીને નવી સ્ફૂર્તિ, નવા ઉત્સાહ, નવી ચેતના સાથે નવા માર્ગે નવી જિંદગી શરૂ કરો. આદર્શ જીવન જીવતાં આગળ વધશો તો સમાજ પણ માફ કરશે અને ઈશ્વર પણ માફ કરી દેશે. તેમણે કેદીઓને નવજીવનની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એવા કેદીઓ કે જેમણે જેલવાસ દરમિયાન સારું કામ કર્યું છે અને વિવિધ ક્ષેત્રે સફળતા મેળવી છે તેમનું સન્માન કર્યું હતું. જેલના કેદીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓનું પણ તેમણે બહુમાન કર્યું હતું. અંતમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એ જી ચૌહાણે આભાર વિધિ કરી હતી.