ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કાળમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની સેવા પ્રશંસનીય રહી છે. ત્યારે આરોગ્ય સેવાના કર્મચારીઓમાં ફિમેલ હેલ્થ વર્કરો પગારમાં થતાં અન્યાયની છેલ્લા ઘણા વખતથી રજુઆતો કરી રહ્યા છે. આથી રાજ્યના આરોગ્ય વિભાગે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ વર્કરનો ગ્રેડ પે અગાઉ રૂપિયા 1900ને બદલે હવેથી રૂપિયા 2400 ગ્રેડ પે આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3ના કર્મચારીને ટેકનીકલ કર્મચારી ગણીને ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરના તમામ જિલ્લાના પંચાયત સેવા હેઠળ આરોગ્ય કર્મચારીઓ જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હોય છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અલગ અલગ કેડરમાંથી ફિમેલ હેલ્થ વર્કરને ટેકનિકલ કર્મચારીઓમાં સમાવેશ નહી કરવાથી ગ્રેડ-પેમાં અન્યાય કરવામાં આવતો હતો. આથી કર્મચારીઓને ટેકનિકલ પોસ્ટમાં ગણતરી કરીને મળવાપાત્ર રૂપિયા 1900ને બદલે રૂપિયા 2400નો ગ્રેડ-પે આપવાની માંગણી કરી હતી. જોકે આરોગ્ય કર્મચારીઓને માંગણીને આધારે રાજ્યના આરોગ્ય વિભાગે સમગ્ર બાબતનો અભ્યાસ કર્યા બાદ ફિમેલ હેલ્થ વર્કરને ટેકનીકલ કર્મચારી તરીકે ગણવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
આ ઉપરાંત ટેકનિકલ સ્ટાફમાં ફિમેલ હેલ્થ વર્કરની ગણતરી કર્યા બાદ તેઓને રૂપિયા 1900ને બદલે રૂપિયા 2400નો ગ્રેડ પે આપવા અંગે પણ આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ પરામર્શ કરીને નિર્ણય લેવાય તેવી શક્યતા રહેલી છે. કેમ કે તાજેતરમાં જ આરોગ્ય વિભાગની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાંથી ફિમેલ હેલ્થ વર્કરનો ટેકનિકલ કર્મચારીઓમાં સમાવેશ નહી કરવાથી તેમને મળતા પગારમાં અન્યાય થતો હોવાની રજૂઆત કરાઈ હતી.