સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં આવતા તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો દૂર કરવામાં આવશે અને સરકાર નિયુક્ત કમિટીઓ અસ્તિત્વમાં આવશે. જોકે મોટાભાગની યુનિવર્સિટી દ્વારા હજુ સુધી નવી કમિટીઓની રચના ન થતાં 6 માસ સુધી જૂના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો જ સત્તા પર રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી કોમન એકટ મુજબ કમિટીઓની રચના ન થતાં જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે. 21 ડિસેમ્બરના રાજ્યપાલના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.હરીશ રૂપારેલીયાએ જણાવ્યું કે, 21મી ડીસેમ્બરના પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ તરફ્થી તારીખ મળી ગઈ છે. જોકે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહના આયોજન બાબતે ખૂલતાં વેકેશને નિર્ણય લેવાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોમન યુનિવર્સિટીઝ એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલ સહિતની કમિટી રચવાનું સૂચવાયું હતું. જોકે તેમાં નેક માન્ય કોલેજના જ અધ્યાપકો રહી શકે સહિતની વધારાની બાબતો સરકારે સુચવી હતી તેના પર કોર્ટે સ્ટે આપી દીધો છે, ત્યારે નવી કમિટીની રચના મોડી થશે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બરના અંતમાં જૂના સેનેટ સભ્યોની સેનેટ બેઠક બોલાવવાની રહેશે અને વિદ્યાર્થીઓની પદવી મંજૂર કરવાની થશે. જોકે અંતિમ નિર્ણય કુલપતિ દ્વારા લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીનો કાર્યકાળ વિવાદમાં જ પૂર્ણ થઈ ગયો જેના કારણે આખું વર્ષ વીતી ગયું છતાં યુવક મહોત્સવ યોજી શકાયો ન હતો. હવે નવા ઇન્ચાર્જ કુલપતિ ડો. નીલાંબરી દવેનુ કહેવું છે કે, હવે યુવક મહોત્સવ યોજી ન શકાય પરંતુ કોમન એક્ટ મુજબ નવી કમિટીઓની રચના ટૂંક સમયમાં થશે. જેથી ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી નિર્ણય માટેની બેઠકો મળતા વિકાસલક્ષી કાર્યોને પણ વેગ મળશે.