Site icon Revoi.in

તરણેતરનો મેળો બંધ રાખવા ગ્રામ પંચાયતે કર્યો ઠરાવ

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં થાન તાલુકામાં ત્રિનેત્રેશ્વરના મંદિરના વિશાળ પટાગણમાં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. આ લોક મેળો તરણેતરના મેળા તરીકે વિખ્યાત છે. અને દેશ-વિદેશના લોકો પણ આ ભાતીગળ મેળાને મહાલવા માટે આવતા હોય છે. આ વખતે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ તેમજ લોકમેળા માટે સરકારે એસઓપી બનાવીને કડક નિયમો જાહેર કરતા તરણેતર ગ્રામ પંચાયતે મેળો ન યોજવાનો ઠરાવ કર્યો છે. જ્યારે જિલ્લા કલેકટરના કહેવા મુજબ મેળો યોજવો કે નહીં તે અંગેનો હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ત્રિનેત્રેશ્વરના મંદિર ખાતે દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભરાતા તરણેતરના મેળાનું આ વર્ષે 6થી 9 સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું હતું. પરંતુ SOPના કડક નિયમો અને ભારે વરસાદને કારણે મેળો ન યોજવા ગ્રામ પંચાયતે સર્કયુલેશન ઠરાવી કલેક્ટરને મોકલી આપ્યો છે. જ્યારે કલેકટરે જણાવ્યું હતું કે, પંચાયત ન કરે તો તંત્ર પણ મેળો કરી શકે, પણ મેળો યોજવો કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ગેમઝોનમાં બનેલી ઘટના બાદ સરકારે લોકમેળા માટે કડક નિયમો સાથેની નવી એસઓપી બનાવી છે. ત્યારે તરણેતર ગ્રામપંચાયતે આ બાબતે એક બેઠક બોલાવી હતી. અને એ બેઠકમાં ઠરાવ કર્યો હતો કે, ગ્રામ પંચાયત આ વર્ષે તરણેતરના લોક મેળાનું આયોજન કરવા માંગતું નથી. વરસાદમાં તરણેતર, આજુબાજુના રસ્તાનું ધોવાણ થયેલું છે. તેમજ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના લોકમેળા પણ રદ કરવામાં આવ્યા હતા.

આ અંગે તરણેતર સરપંચના કહેવા મુજબ, સરકારે લોક મેળા માટે જે નવા નિયમો બનાવાયા છે, તેનું પાલન કરવું મુશ્કેલ છે. કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી પંચાયતની આવે.આથી જ પંચાયતે આ ઠરાવ કર્યો છે. જોકે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, પંચાયત લોકમેળો ન કરે તો તંત્ર પણ મેળો કરી શકે, આ અંગે ટુક સમયમાં નિર્ણય લઇશું.