અમદાવાદ: ગુજરાત ટુંક સમયમાં દેશભરના દિપડાઓ માટે નવું ઘર બની શકે છે. એશિયાટીક સિંહોના નિવાસ માટે ગુજરાત જાણીતું છે અને દુનિયાભરના પ્રવાસીઓ આ સિંહ દર્શન માટે આવે છે અને દિપડાઓ તો ખુદ માનવ દર્શન માટે તેના વસવાટ ક્ષેત્રની આસપાસના ગામોમાં પહોંચી જાય છે અને અનેક દિપડાઓ માનવભક્ષી પણ બન્યા છે. પણ આ વચ્ચે ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશ સહીતના રાજયોમાંથી દિપડાઓને ગુજરાતમાં પુન: વસાવવાની તૈયારી છે. સૌરાષ્ટ્રમાં જામનગર નજીક દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દુનિયાનું સંભવત સૌથી મોટુ ધ ગ્રીન ઝુઓલોજીકલ રેસ્કયુ એન્ડ રીહેબીલાઈઝેશન કિંગડમ ઉભુ કરવામાં આવી રહ્યું છે. ઝૂ ઓથોરીટી ઓફ ઈન્ડીયા વાઈલ્ડ લાઈફ સંસ્થા ગુજરાત અને કેન્દ્ર સરકાર તથા રીલાયન્સ ઉદ્યોગગૃહના આ સંયુક્ત સાહસમાં રીલાયન્સ ઉદ્યોગગૃહે 14 એકર જમીનમાં વન્ય પ્રાણીઓ ના રેસ્કયુ સેન્ટર રચ્યું છે જયાં પ્રાણીઓ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં રહે છે. હાલ આ રેસ્કયુ સેન્ટરમાં જોખમી સાબીત થયેલા 71 દીપડાઓનો વસવાટ છે જેમાં તેના 6 બચ્ચાઓનો પણ સમાવેશ થાય છે.
ઉતરાખંડ સરકાર તેના વિસ્તારોમાં જોખમી સાબીત થયેલા છ દિપડાઓને ગુજરાત મોકલવા માંગે છે. અગાઉ જ આસામ અને હિમાચલ પ્રદેશથી જે દિપડાઓને ખસેડવા જરૂરી હતા તેને ગુજરાતમાં વસવાટ માટે મોકલાયા છે અને હવે ઉતરાખંડમાંથી પણ ખૂંખાર દીપડોને મોકલાશે. જામનગર નજીક ધ ગ્રીન ઝુઓલોજીકલ રેસ્કયુ એન્ડ રીહેબીલાઈઝેશન કિંગડમમાં બે કાળા દિપડા સહીત 71 દિપડા તો અહી છે જ અને કુલ 108 દિપડાઓને સાચવી શકાય તેવી ક્ષમતા છે. જો કે હજુ ઉતરાખંડ અને સરકાર તરફથી કોઈ સતાવાર જાણ થઈ નથી. હિમાચલ સરકારે મૌખિક વાતચીત કરી છે. મહારાષ્ટ્ર સરકારે પણ પૂછપરછ કરી છે. આ વિશાળ સેન્ટરમાં પ્રાણી, તબીબો પ્રાણીઓની સંભાળ રાખનારામાં તથા તેમની સારવારના દવાખાના, લેબોરેટરી વિ.ની સુવિધા છે. ઉતરાખંડના નૈનીતાલમાં માનવ અને દિપડા વચ્ચેની ટકકર વધી રહી છે. અને આ રાજયમાં મોટી સંખ્યામાં દિપડાઓને ઝડપીને હાલ કામચલાવ પાંજરામાં રખાયા છે પણ તેને હવે અન્યત્ર વસવાટ કરાવવા જરૂરી છે. જો કે ગુજરાતમાં પણ દિપડાઓની રંઝાડ છે દર વર્ષે 400-500 દિપડાઓને ઝડપવા પડે છે અને માનવ પર હુમલો કરવામાં દિપડા અવલ્લ છે અને એક વખત માનવભક્ષી અને પછી તેને ખુલ્લામાં છોડી આવતા નથી. ગુજરાતમાં જ 3200 જેટલા દિપડાઓ છે અને તે વસતિ વધતી જાય છે.