ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનારા ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે.22મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે 11 દિવસ તપશ્ચર્યા કરી હતી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ ગૃહ સમક્ષ મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વનેતા ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે.