Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કર્યો સરેરાશ 10 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. હાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. ત્યારે જ 2024 માર્ચ-એપ્રિલમાં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં વધારો જોહાર કરાયો છે.ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.  સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. જે વધારો કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 માં 355 રૂપિયા ફી હતી. જેમા 35 રૂપિયાનો વધારો કરીને ફી 390 રૂપિયા કરવામાં આવી છે. તેમજ   ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રેગ્યુલર વિદ્યાર્થીની ફી 605 હતી, જેમાં 50 રૂપિયાનો વધારો કરાયો. નવી ફી 665 કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 490 રૂપિયા ફી હતી. જેમાં 50 રૂપિયાનો વધારો કરીને 540 રૂપિયા ફી કરવામાં આવી છે.  આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની ફીમાં પણ વિષય દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં કરાયેલા વધારાની સીધી અસર લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર પડશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જોકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે.  બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.