Site icon Revoi.in

ગુજરાત સરકાર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા વિધાનસભામાં 31મી માર્ચે કાયદો ઘડશે,

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોર ત્રાસની અનેક ફરિયાદો ઊઠી છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી. રાજકોટમાં છેલ્લા સપ્તાહમાં રખડતા ઢોરે અડફેટે લેતા કનું મોત અને ત્રણને ઈજા થયાના બનાવો બન્યા હતા. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે સરકાર વિધાનસભામાં કાયદો લાવી રહી છે.રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે રાજ્ય સરકાર 31 માર્ચે વિધાનસભા ગૃહમાં એક બિલ રજૂ કરશે. ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે.

ગુજરાત વિધાનસભામાં તા 31મી માર્ચે સરકાર દ્વારા રખડતા ઢોરના મુદ્દે કાયદો ઘડવામાં આવશે. જેમાં નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે. પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે. પશુ પાલકોએ લાઈસન્સ લીધાના 15 દિવસમાં જ ઢોરને ટેગ લગાવવા પડશે. જો ટેગ લગાયેલા પશુ રખડતા પકડાશે તો માલિક સામે ફોજદારી ગુનો નોંધાશે. આ માટે શહેરોના સ્થાનિક સત્તામંડળ લાઈસન્સ ઈન્સપેક્ટર નિમશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નિયત કરાયેલા સ્થળો સિવાય ઘાસનું વેચાણ થઈ શકાશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરોમાં રખડતા ઢોર ખુલ્લા મુકી દેતા પશુપાલકોએ હવે આકરા દંડ અને જેલની સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે. રખડતા ઢોર પર નિયંત્રણ મુકતા નવા કાયદામાં નિયમભંગ કરનારા પશુપાલકને એક વર્ષની સજા થશે. આ ઉપરાંત ઓછામાં ઓછા 5 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે. પશુપાલકો ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પહેલીવાર 10થી 50 હજારનો દંડ કરવામાં આવશે. અને 1 મહિના સુધીની કેદની સજા કરાશે. રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર હુમલો કે ઢોર ભગાવવાનો પ્રયાસ કરાશે તો એક વર્ષની કેદ અને 50 હજારથી લઈને 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.જ્યારે બીજી વખત ગુનામાં પકડાય તે શખ્સને બે વર્ષની કેદ અને 1થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી સરકાર અજાણ ન હતી. પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે થોડા દિવસો પહેલા જ કડક કાયદો બનાવવાના સંકેત આપ્યા હતા.