ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લીધે માતા કે પિતા ગુમાવનારા બાળકને પણ હવે સહાય ચુકવાશે
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કાળ બધા જ માટે કપરો રહ્યો હતો. કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે માતા અથવા પિતા ગુમાવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. આવા બાળકો માટે કે પરિવાર માટે કોઇ યોજનાની જાહેરાત થવી જોઇએ તેવી માંગ લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાના સમયગાળામાં એક વાલી ગુમનાર બાળકને રૂપિયા 2000 ની માસિક સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ ના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકો ની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ પણ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ૨જી ઓગસ્ટના રોજ સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ યોજનાની જાહેરાત કરી શકે છે. હાલ તો સમગ્ર રાજ્યમાંથી માતા કે પિતા ગુમાવનારા બાળકોનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ ડેટાના આધારે યોજના જાહેર કરવામાં આવશે.