અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 32 લોકોના મૃત્યુ થયા છે. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે આજે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી દરમિયાન એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના ન્યૂઝ પેપરના કટિંગ મુકાયા હતા.9 બાળકો સહિત 32 જેટલા લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ આંકડો વધી શકે છે. ઓળખી શકાય નહિ તે પ્રકારે લોકો બળ્યા છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટી મુદ્દે જુદી-જુદી અરજીઓમાં નિર્દેશ છત્તા આવી દુર્ઘટનાઓ બને છે. TRP ગેમ ઝોન પાસે કોઈ ફાયર સેફ્ટી પરમિશન નહોતી. ઓથોરિટીએ પણ બેદરકારી દાખવી છે. દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, રેસિડન્સ પ્લોટ ઉપર ગેમ ઝોન બનાવાયો છે. ફાયર સેફ્ટી નહોતી. વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. TRPમાં ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. તો સાથે જ ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. એક છોકરાએ 15 લોકોને બચાવ્યા છે. આગ ઓલવવાના પંપ પણ પેટી પેક હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા સિટિંગ જજ તપાસની માંગ કરવામાં આવી છે.
સનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે, આ દુર્ઘટનામાં નાના બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાના સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મુકાયા છે. આ દુર્ઘટનાથી કોર્ટને પણ આંચકો લાગ્યો છે. TRP ગેમ ઝોને GDCRની છટકબારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ગેમિંગ ઝોને તેમની રીતે પ્રવૃત્તિઓ કરી છે. સંલગ્ન ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી. ફાયર NOC કે બાંધકામની મંજૂરી વગર, કામચલાઉ માળખું ઉભુ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુભવન રોડ, એસ. જી. હાઇવે, એસ.પી. રીંગ રોડ ઉપર ચાલતા આવા ગેમિંગ ઝોનની પણ નોંધ લે છે. પરમિશન વગર ચાલુ કરાતા આવા ગેમિંગ ઝોનમાં બાળકો અને લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. TRP ગેમિંગ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો હતા. આ કેસની વધુ સુનાવણી 27 મે, 2024ના રોજ હાથ ધરાશે.