લગ્ન પ્રસંગોમાં DJના કાન ફાડી નાંખે એવા અવાજના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
અમદાવાદઃ ગુજરાતમાં અવાજ યાને ધ્વનિ પ્રદુષણ વધતું જાય છે. જેમાં લગ્ન પ્રસંગોમાં કે વરઘોડામાં કાન ફાડી નાંખે એવા મોટા અવાજે વગાડાતા ડીજેને કારણે હૃદયના ધબકારા વધી જતા હોય છે. ડીજે ધ્વનિ પ્રદૂષણનું મોટું માધ્યમ છે. ત્યારે ‘ડીજે’ તેમજ મસ્જિદોમાં અઝાન દરમિયાન વાગતા લાઉડસ્પીકર્સથી થતાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં બે જુદીજુદી જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે, ડીજે-વાંજિત્રોના કારણે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે સરકાર તાત્કાલિક પગલાં ભરે. ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર સમસ્યા છે. ધ્વનિ પ્રદૂષણની ફરિયાદને પોલીસ સરળતાથી લેવાની ભૂલ ન કરે. સાથે જ મસ્જિદો પર અઝાન માટે લાઉડ સ્પીકરના કેસમાં પણ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.
ગુજરાતભરમાં ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની રિટ અરજી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો કે ડીજે, લાઉડ સ્પીકર, વાંજિત્રો સહિતના ધ્વનિ પ્રદૂષણ અને પબ્લિક ન્યુસન્સ મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે. સાથે જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ પ્રકારના પગલાં ભરવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 12 એપ્રિલના રોજ થશે. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે સુનાવણી દરમિયાન એવી ટકોર પણ કરી હતી કે, જ્યાં લગ્નો હોય તે પાર્ટી પ્લોટ, હોલ વગેરેમાંથી તંત્રે ડેટા મેળવવા જોઇએ. લગ્નોની સિઝનમાં જાહેર નોટિસ પ્રકાશિત કરવી જોઇએ. જેથી કરીને લોકો આવી રીતે ધ્વનિ પ્રદૂષણ કરતાં અટકે. ધ્વનિ પ્રદૂષણ કરનારા સામે તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જોઇએ.’
અરજદારે દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, ટ્રક અને ટેમ્પામાં ડીજેમાં મોટી-મોટી સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવે છે અને તેના લીધે 100 મીટર સુધીના વિસ્તારોમાં બારી-બારણાં પણ ધ્રુજવા લાગે છે. જે નિયત ડેસિબલ કરતાં વધુ હોવાથી ગેરકાયદે છે અને નાગરિકોને ધ્વનિ પ્રદૂષણના ભોગ બનવું પડે છે. આવા ધ્વનિ પ્રદૂષણની 10 હજારથી વધુ ફરિયાદો થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આડેધડ, બેફામ અને અપ્રમાણસર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી સાઉન્ડ સિસ્ટમો પર તાત્કાલિક નિયંત્રણ મૂકવાની માગ કરાઈ છે.