અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધુ બેરોજગારીનો પ્રશ્ન છે. જેમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ઘણી મોટી છે. કલાર્ક જેવી સામાન્ય નોકરી મેળવવા માટે પણ લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે. આથી બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસ અભિયાન આજથી શરૂ કરાશે. “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો આયોજીત કરવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર ક્યાં છે?” અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે સવારે 11.15 વાગ્યે રેલી યોજીને શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરાશે.
પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગાર યુવાનોના પ્રશ્નને વાચા આપવા માટે યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માગે રોજગાર અભિયાન અંતર્ગત યુવા કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લાઓમાં રેલીઓ અને રોજગાર કચેરીને ઘેરાવના કાર્યક્રમો યોજાશે. જેની શરૂઆત 17 મી મે ના રોજ પાટનગર ગાંધીનગરથી થશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા આવશે. 15 ઓગસ્ટથી ગુજરાતની તમામ વિધાનસભા અને ઝોનવાઈઝ યુવાનોને રોજગાર આપવા માટે બાઈક રેલી યોજીને કલેકટરને આવેદન આપશે તથા યુવાનોને રોજગાર આપવા માટે અવાજ બુલંદ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પાડીને વડાપ્રધાનને 1 લાખ ‘ગેટ વેલ સુન’ કાર્ડ મોકલીને રાજ્યભરમાં ચાલી રહેલી અન્ય ગતિવિધિઓથી અવગત કરાશે. ગુજરાત યુવક કોંગ્રેસ ગુજરાતના યુવાનો માટે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરશે. જે સરકાર બનવા પર 3 લાભ પ્રદાન કરશે.