- આ ગામમાં મહિલાઓના વાળ છે લાંબા
- ગામનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે નામ
- જાણો તેનું કારણ અને કાળજી રાખવાની રીત!
દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ લાંબા, ઘાટા, જાડા અને નરમ હોવા જોઈએ. પરંતુ ખરાબ ભોજન અને પ્રદૂષણને કારણે આ ઈચ્છા પૂરી કરવી સરળ નથી. વાળની લંબાઈ અને આરોગ્ય જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ઘણી વખત મહિલાઓ વાળની ગુણવત્તા સુધારવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવીને ઘણા પૈસા ખર્ચે છે.
પરંતુ ચીનમાં એક એવી જગ્યા છે જ્યાં વાળને લાંબા કરવા મહિલાઓ માટે ડાબા હાથની રમત છે.દક્ષિણ ચીનના ગુઈલિન શહેરથી લગભગ બે કલાકના અંતરે હુઆંગલુઓ ગામ આવેલું છે.આ ગામની મહિલાઓના વાળ 5 થી 7 ફૂટ લાંબા અને 1 કિલો સુધી ભારે હોય છે. આ કારણથી આ ગામનું નામ વિશ્વના સૌથી લાંબા વાળના ગામ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
યાઓ જાતિની આ મહિલાઓ માટે વાળ વધારવાનો શોખ નથી પણ પરંપરાનો એક ભાગ છે.જ્યારે તેમની ઉંમર 17 થી 18 વર્ષની થાય છે, ત્યારે એક સમારોહનું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન તેમના વાળ કપાય છે.આ વિધિનો અર્થ છે કે છોકરી હવે લગ્ન માટે લાયક છે.છોકરીના કપાયેલા વાળ તેની દાદી અથવા ઘરના કોઈ વડીલ સભ્ય રાખે છે. લગ્ન બાદ કપાયેલા વાળને ડેકોરેટિવ બોક્સમાં પેક કરીને યુવતીના પતિને ભેટમાં આપવામાં આવે છે.સમારંભમાં તેના વાળ કપાવ્યા પછી, તેણી જીવનમાં ક્યારેય તેના વાળ કપાવતી નથી.
અહીંની મહિલાઓનું માનવું છે કે,વાળ તેમના અને તેમના પૂર્વજો વચ્ચેના સંપર્કનું માધ્યમ છે. વાળ વધારવાથી તે તેના પૂર્વજોને ખુશ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે,તેમના વાળ માત્ર લાંબા અને ઘટ્ટ નથી,પરંતુ 80 વર્ષની ઉંમર પહેલા સફેદ પણ થતા નથી.
આ ગામની મહિલાઓ લગ્ન પહેલા પોતાના વાળ કપડાથી ઢાંકીને રાખે છે. લગ્ન પછી આગળ બન બાંધે છે.પહેલાના સમયમાં આ મહિલાઓને માત્ર પતિ અને બાળકોને જ તેમના વાળ બતાવવાની છૂટ હતી, પરંતુ 1980માં ચીનના આ ગામમાં પ્રવાસીઓ આવવા લાગ્યા.આ મહિલાઓને તેનાથી ઘણો ફાયદો થયો અને તેમણે વાળ છુપાવવાની પ્રથા બંધ કરી દીધી.
આ મહિલાઓ વાળની સંભાળ માટે કોઈ ખાસ વસ્તુનો ઉપયોગ કરતી નથી. તેના લાંબા વાળનું રહસ્ય ચોખાનું પાણી છે. તે ચોખાના પાણીમાં ચા, ફર અને અનેક ઔષધો ઉમેરીને ખાસ શેમ્પૂ તૈયાર કરે છે. આ પછી તે નદીના પાણીથી વાળ ધોવે છે.