અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોબી પછડાટ મળ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા કાલે 1લી ફેબ્રુઆરીથી લોકસંપર્ક અભિયાન આદરવામાં આવશે. દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ભારત જોડો યાત્રા થતાં હવે ગુજરાતમાં 1લી ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ કરાશે. આ યાત્રામાં કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશ પહોંચાડશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારત જોડો યાત્રા’થી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘હાથ સે હાથ જોડો’ યાત્રા દ્વારા સૌ કોઈના હાથ સાથે હાથ મિલાવીને કોંગ્રેસ તેમની સાથે છે તેવી હૈયાધારણા આપીશું. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ‘હાથ સે હાથ જોડો યાત્રા’ અંગે ચર્ચા થઈ. હતી. જેમાં ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં સૌ પ્રથમ 71 નગરપાલિકા જ્યાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાંથી શરૂઆત કરાશે. ત્યારબાદ જિલ્લા પંચાયતોની વિવિધ બેઠક અનુસાર ‘હાથ સે હાથ જોડો યાત્રા’ સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે ફરશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડા યાત્રાનો આવતી કાલે 1લી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. જેમાં 3, 4 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં 4 ,5 ફેબ્રુઆરીએ ભિલોડા અને 6 થી 17 ફેબ્રુઆરી સુધીમાં 17 તાલુકામાં યાત્રા કરવામાં આવશે. કોંગ્રેસ આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના સંદેશને અને ચાર્જશીટ ગુજરાતના તમામ લોકોના ઘરે પહોંચાડશે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ અભિયાન હેઠળ રાજ્યના મોટાભાગના તમામ ગામોના લાખો મતદારો સુધી પહોંચી રાહુલ ગાંધીનો સંદેશ અને મોદી સરકારની નિષ્ફળતાની ચાર્જશીટ દરેક ઘર સુધી પહોંચાડાશે.