અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દરમિયાન ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. જ્યારે H3N2ના 4 જેટલા કેસ છે. જેમા H3N2 વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત થયું છે. વડોદરાના ફતેગંજ વિસ્તારના 58 વર્ષિય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ કોરોનાના કેસમાં વધારાની સાથે એચ3એન2ના કેસ સામે આવતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો. તેમજ કેસો ઉપર સતત નજર રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત ટેસ્ટીંગ વધારવા સહિતના જરુરી નિર્દેશ કર્યાં હતા. રાજ્ય સરકાર પણ એચ3એન2 કેસ સામે આવતા હરકતમાં આવ્યું છે.