- રોજબરોજ કમળાના દર્દીઓમાં વધારો થાય છે,
- અસરગ્રસ્ત વિસ્તારમાં 15 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી,
- જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના નમુના લઈ પરીક્ષણ માટે મોકલાયા
ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી કમળાના રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. શહેરના પાલૈયાવાસ, લુહારચકલા, વાંટાવાડ, બારોટવાડા, ખારાકુવાનો ખાંચો, લવાડીયા ફળી, હોળી ચકલા જેવા વિસ્તારો ઉપરાંત શહેરના છુટા છવાયા વિસ્તારોમાં રહેતા લોકો કમળાના રોગચાળામાં સપડાય રહ્યા છે. શહેરમાં કમળાનો રોગચાળો પ્રસરતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી દરમિયાન વધુ શંકાસ્પદ કમળાના ચાર કેસ મળી આવ્યા છે. જુદા જુદા વિસ્તારામાં પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના પાલૈયાવાસ, લુહારચકલા, વાંટાવાડ, બારોટવાડા, ખારાકુવાનો ખાંચો, લવાડીયા ફળી, હોળી ચકલા જેવા વિસ્તારો ઉપરાંત શહેરના કેટલાય છૂટા છવાયા વિસ્તારોમાં કમળાના કેસો છેલ્લા પંદરેક દિવસથી દિન પ્રતિદિન વધી રહ્યા છે. કમળાના રોગનો ભોગ બનેલા લોકો શહેરના ખાનગી અને સરકારી ક્લિનિકો અને હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. દિવાળીના તહેવારના દસેક દિવસ અગાઉથી કમળાનો રોગચાળો પ્રસર્યો હતો જેમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી નાના બાળકો ઉપરાંત વૃદ્ધો સહિત પચાસથી વધુ લોકો કમળાના રોગચાળામાં સપડાયા છે.
દહેગામમાં કમળાનો રોગચાળો પ્રસર્યો હોવાથી આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં સરવે કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધુ કમળાના શંકાસ્પદ ચાર કેસ મળી આવતા તંત્ર સફળ જાગી ઉઠ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે બે જગ્યાએ લીકેજ હોવાનું તેમજ અન્ય બે જગ્યાએ ઊભરાતી ગટર હોવાનો રિપોર્ટ દહેગામ નગરપાલિકાને મોકલી આપ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવારોના પહેલા શરૂ થયેલો કમળાનો રોગચાળો સમવાનું નામ ન લેતા દહેગામ શહેરના લોકોમાં પણ ભય વ્યાપ્યો છે.