કોરોના મહામારી વચ્ચે ગીર જંગલમાં વસવાટ કરતા સાવજોના આરોગ્યની કરાશે તપાસ
- જૂનાગઢમાં કોરોના કેસમાં થયો વધારો
- વનવિભાગની ચિંતામાં થયો વધારો
- જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારાયું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જૂનાગઢમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી ચિંતિત વન વિભાગે ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા સાવજોના આરોગ્યને લઈને તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એશિયનટીક લાયનના ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં 500થી વધારે વનરાજો વસવાટ કરે છે. બીજી તરફ જૂનાગઢમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. અગાઉ પણ ગીર જંગલમાં કેટલાક સાવજોના ભેદી રોગચાળામાં મોત થયાં હતા. જેથી ચિંતિત વન વિભાગ દ્વારા સિંહોમાં શરદી, લાળ પડતી હોય કે વધુ સમય ઉંઘતા રહેતા હોય તો તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતનું વન તંત્ર હાલમાં ચાલી રેહલા કોરોનાનાં પગલે કોઈ રિસ્ક નથી લેવા માંગતુ અને તેમણે સિંહોની તપાસ કરવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં સરકાર દ્વારા જરૂર જણાય તો વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાવવા પણ સૂચના આપવામાં આવી છે. ગીર જંગલ, રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગીર જંગલ વિસ્તારમાં ભેદી રોગચાળામાં કેટલાક સાવજોના મોત થયાં હતા. જેથી આ વખતે સરકાર અને વન વિભાગ કોઈ જોખમ લેવા માંગતુ ન હોવાથી સાવજોના આરોગ્યની તપાસનો નિર્ણય કરવામાં આવ્યો છે.