અમદાવાદઃ શિયાળો અડધો વિત્યો છતાં યે ઠંડીનું નામ નથી. આડે ભર શિયાળે પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી અનુભવાતી હોય છે. પરંતુ છેલ્લા 10 દિવસથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની પશ્ચિમે આવેલા પાકિસ્તાન સહિતના દેશોમાં વધેલી ગરમીથી ભૂમધ્ય સમુદ્રની પેટર્ન બદલાઇ છે. અત્યાર સુધી ડિસેમ્બરમાં થતાં બાષ્પીભવનની ગતિ ધીમી રહેતી હતી. આ વખતે ગતિ તેજ બનતા વધેલા ભેજને લીધે ઠંડી ગાયબ થઇ છે. હજી 5 દિવસ આવું વાતાવરણ રહેશે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે, જાન્યુઆરીથી કડકડતી ઠંડીની શરૂઆત થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનું પ્રમાણ ડિસેમ્બર વધુ રહેતાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. પાકિસ્તાન, દુંબઇ, અફઘાનિસ્તાન સહિતના દેશમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પવનો ફંટાઇને ભૂમધ્ય સમુદ્ર પરથી ભેજવાળા વાતાવરણ સાથે આવી રહ્યાં હોવાથી વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી ઋતુચક્રમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે. અડધો શિયાળો વિત્યો છતાં ઠંડીનું નામ નથી. આમ તો છેલ્લા 4 વર્ષથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર માસ દરમિયાન વાતાવરણમાં ભારે પલટો જોવા મળે છે. હાલ પાકિસ્તાન, દુબઇ, અફઘાનિસ્તાન સહિત દેશમાં ગરમ વાતાવરણ રહેતા પવનો ફંટાઇને ભારત તરફ ફુંકાઇ રહ્યાં છે. ભૂમધ્ય સમુદ્રના ભેજ વધુ હોવાથી ભેજવાળા પવનોને કારણે વાદળો બંધાઇને ભારત તરફ ધકેલાય છે. જેથી વાદળછાયુ વાતાવરણ રહેતા ડિસેમ્બર સરેરાશ ભેજ કરતાં બમણો ભેજ રહેતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ રહે છે. રાત્રિના તાપમાન પણ વધુ જોવા મળી રહ્યુ છે. દિવસે પણ ગરમીનો અહેસાસ વર્તાય રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લૉ-પ્રેશરની સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતા પવન સાથે ભેજ ગુજરાત તરફ ખેંચાઇ આવતાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતુ. શિયાળાની સિઝનમાં જયારે પણ લૉ-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશમાં ફેરવાય છે, ત્યારે પવનની દિશા બદલાતા ઠંડા પવનોનું જોર ઘટે છે. અઠવાડિયા પહેલાં અમદાવાદમાં ઠંડીનો પારો 12થી 14 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. પરંતુ, ઠંડા પવનોનું જોર ઘટતાં ગરમી વધી છે. પરંતુ, હવે આગામી બે દિવસમાં ફરીથી ઠંડી વધશે, તેમજ 20 ડિસેમ્બરથી લઇને 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમાંય 20થી 30 ડિસેમ્બર સુધીમાં અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 10થી 12 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.