નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કર્ણાટકના ઉમેદવારોની પસંદગી સાથે બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદીમાં કર્ણાટક સરકારની કેબિનેટના પાંચ મંત્રીઓના બાળકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 17 પૈકી 11 ઉમેદવારો મંત્રીઓના સંબંધી હોવાનું જાણવા મળે છે. જેથી કોંગ્રેસમાં પરિવારવાદને લઈને આંતરિક ખટરાગ શરુ થયાનું જાણવા મળે છે. ભાજપા દ્વારા વર્ષોથી કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસની બીજી યાદીમાં 17 પૈકી 11 ઉમેદવાર મંત્રીઓના સગા હોવાની અટકળો વહેતી થઈ છે.
કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પાર્ટી દ્વારા અહીં અત્યાર સુધીમાં 24 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. 8મી માર્ચના રોજ પ્રથમ યાદી જાહેર કરાઈ હતી. જેમાં સાત ઉમેદવારોના નામજાહેર કરાયાંહતા. જેમાં કોઈ મંત્રી કે ધારાસભ્યોના નામ ન હતા. દરમિયાન કર્ણાટકમાં પાર્ટીની બીજી યાદી સામે આવી છે. 17 ઉમેદવારોના નામની જાહેરાત સાથેની બીજી યાદીમાં કર્ણાટક સરકારના પાંચ કેબિનેટ મંત્રીઓના સંતાનોનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં ભાજપ-જેડીએસ ગઠબંધનને હરાવવા માટે કોંગ્રેસે મોટાબાગના મંત્રીઓના પરિવારજનોને ટીકીટ આપી હોવાનું ચર્ચાય રહ્યું છે.
ભાજપના નેતા બસનગૌડા પાટિલએ વંશવાદની રાજનીતિ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી જુની પાર્ટી પોતાના કાર્યકરોને અવસર આપવાને બદલે વંશવાદની રાજનીતિનો પક્ષ લઈ રહ્યો છે. જો યાદી ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે, પાર્ટીએ રાજકીય નેતાઓના સંબંધીઓ અને આર્થિક પીઠબળ ધરાવતા ઘણા ઉમેદવારોને ટિકિટ આપી છે. ચિક્કોડી બેઠક ઉપર કેબિનેટ મંત્રી સતીશ જારકીહોલીની દીકરી પ્રિયંકાને ટીકીટ આપવામાં આવી છે. રાજકીય શરૂઆત છતા પ્રિયંકાને લોકસભાની ટીકીટ મળવી એ જ મોટી વાત છે. બેલગાવી વિસ્તારમાં શક્તિશાળી જરાકીહોલી પરિવાર પાસે કર્ણાટકમાં કેટલાક મહત્વના પદ છે. બેલગાવી બેઠક ઉપર કેબિનેટ મંત્રી લક્ષ્મી હેબ્બાલકરના દીકરા મૃણાલને રાજનીતિમાં પ્રવેશ સાથે લોકસભાની ટીકીટ મળી ગઈ છે.
બીદર બેઠક ઉપર કેબિનેટ મંત્રી ઈશ્વર ખાંદ્રેના દીકરા સાગરને, દાવણગેરે બેઠક ઉપર કેબિનેટ મંત્રી એસએસ મલ્લિકાર્જુનના પત્ની પ્રભા મલ્લિકાર્જુન, દક્ષિણ બેંગ્લુરુ બેઠક ઉપર પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીની દીકરી સૌમ્યા રેડ્ડી, બેંગ્લુરુ ગ્રામ્ય બેઠક ઉપર નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના બાઈ સુરેશ, શિવમોગા બેઠક ઉપર કેબિનેટ મંત્રી મધુ બંગારપ્પાની બહેન ગીતા શિવરાજકુમાર, જેડીએસનો ગઢ ગણાતા હાસન બેઠક ઉપર પુટ્ટાસ્વામીની પૌત્ર શ્રેયસ પટેલ, બાગલકોટ બેઠક ઉપર મંત્રી શિવાનંદ પાટીલની દીકરી સંયુક્તા પાટીલ, મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણને ગુલબર્ગા બેઠક ઉપરથી ટીકીટ ફાળવવામાં આવી છે. જ્યારે કોપ્પલ બેઠક ઉપર પાર્ટીના નેતા રાધવેન્દ્ર હિતનાલના ભાઈ રાજશેખર હિતનાલને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કર્ણાટકમાં કોંગ્રેસની બીજી યાદીમાં મોટાભાગની બેઠકો ઉપર રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ અને તેનાઓના સંબંધીઓને જ ટીકીટ આપવા મામલે ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને વંશવાદની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો.