અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટના વધારે પ્રકાશ માટે મરક્યુરી લેમ્પ લગાવવામાં આવતા હતા પણ તેના લીધે વીજળી બીલ વધારે આવતું હોવાથી મરક્યુરી લેમ્પને બદલે એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે. પરંતુ મરક્યુરી બલ્બ જેટલો પ્રકાશ એલઈડી બવ્બ આપી શકતો નથી. તેથી હવે સ્ટ્રીટ લાઈટના થાંભલાની હાઈટ વધારવાનો તઘલગી નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની એલઇડી સ્ટ્રીટ લાઇટની હાઇટ વધારવા માટે 3 મીટરના સાંધા કરીને 3 કરોડનો ધુમાડો કરવાનો તખતો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કમિટીમાં મંજૂર કરાયો છે. પ્રકાશ વધારે વિસ્તારમાં મળે તેવા ઉદેશ્ય સાથે પ્રાયોગિક ધોરણે કરવાની આ કામગીરી શંકાસ્પદ જણાઇ રહી છે. લાઇટના પોલની હાઇટ 4.5 મીટરથી વધારીને 7 થી 7.5 મીટર સુધી લઈ જવાશે.
અમદાવાદ મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયેલા કામમાં સ્ટ્રીટ પોલની હાઇટ વધારવા માટે તેના પર 4 થી 5 મીટરના એક્સ્ટેન્શન પીસ તૈયાર કરાવવાની કામગીરી મંજૂર રાખવામાં આવી છે. જેમાં 1.0 સ્કવેર ચોરસ મીટરના 3.કોર કોપર વાયરથી ફિટિંગથી પોલ બોક્સ સુધી લગાડવાની એસઆઇટીસીની કામગીરી માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતાા. જેમાં 3 કરોડનું કામ સોંપવામાં આવ્યું છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટ અને સોસાયટીમાં રહેલા પોલની હાઇટ 4.5 મીટર રખાય છે. મુખ્યત્વે હવે મોટાભાગના પોલને એલઇડી લાઇટ સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે. એલઇડી લાઇટનું કવર ક્ષેત્ર વધારે છે આ સંજોગોમાં જો પોલની હાઇટ વધારવામાં આવે તો તેમાં વધારે વિસ્તાર કવર થઇ શકે તેવી શક્યતા જણાઇ રહી છે. તે માટે ટી.પી. રોડ, સોસાયટીઓ અને સ્લમ વિસ્તારમાં આવા પોલને એલઇડી લાઇટથી વધુ યુનિફોર્મ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સામાન્ય રીતે બે પોલ વચ્ચેનું અંતર 100 ફૂટ એટલે કે 30 મીટર જેટલું હોય છે. તો તેની ઊંચાઈ પણ 4.5 મીટર જેટલી હોય છે. જ્યારે રોડ સાઇડ પર 7 મીટર સુધીની ઊંચાઈ હોય છે.