અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર નિગમ (એસટી)ના મૃતક કર્મચારીઓના વારસદારોએ આજે એસ.ટી નિગમની રાણીપ સ્થિત ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો. નિગમની વડી કચેરીએ મૃતક કર્મચારીઓના વારસદારોએ રજૂઆત કરી હતી. રાજયભરમાં અંદાજે 900થી વધારે જેટલા કર્મચારીઓના પરિવારજનો રહેમરાહે નોકરી માટેની માંગ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2011 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ કે જેઓનું આકસ્મિક નિધન થયું છે, તેમના પરિવારજનો નોકરી માટે માંગ કરી રહ્યા છે. જેને લઇને પાછલા કેટલાક વર્ષોથી વિવિધ સ્તરે રજૂઆત પણ કરી ચૂકયા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો. જેને લઇને ફરી એકવાર આજે વારસદારોએ પોતાની માંગને લઈને રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. વિરોધ નોંધાવી રહેલા વારસદારોએ જો એક મહિનામાં નિવેડો ન આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનને પણ ચીમકી ઉચ્ચારી છે. આ વારસદારનો તર્ક છે, કે તેમના પરિવારમાં આર્થિક ઉપાર્જન માટે હવે કોઈ સ્ત્રોત નથી રહેતા તેમને નિગમ દ્વારા નોકરી આપવી જોઈએ.આ પહેલા વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓના સંગઠન મારફતે પણ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વારસદારોને રહેમ રાહે નોકરી આપવાની માંગનો પણ સમાવેશ થાય છે. જે માટે યુનિયનોએ આગામી 15મી સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તે બાદ 16 સપ્ટેમ્બરથી કાળી પટ્ટી ધારણ કરી કામ કરવું, જિલ્લા સ્તરે આવેદન આપવું ઉપરાંત જો કોઈ નિવેડો ન આવે તો 23 સપ્ટેમ્બરથી માસ CL પર જવાની ચીમકી ઉચ્ચારી છે.