1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે શહેરોમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે.

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા જેમાં થોડા દિવસો પહેલા અમદાવાદ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર જે હુમલાની બે ઘટના બની હતી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આ અધિકારીઓને જે રીતે માર મારવામાં આવ્યો તે અયોગ્ય છે. જેના જવાબમાં કહ્યું હતું કે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે જે સ્થળે બનાવો બન્યા છે ત્યા પોલીસ કર્મીઓને તેનાત કરાયા છે. પોલીસ પગલાં લઈ રહી છે, તપાસ ચાલુ છે, બાદમાં કોર્ટે કહ્યું, પોલીસ કમિશનર એફિડેવિટ ફાઈલ કરે કે પછી મ્યુનિસિપલ ઓફિસરને પૂરતી સિક્યોરિટી આપે. આમ તો સોસાયટીમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે કે જે ઓફિસર કાયદાનું પાલન કરાવવા જાય છે તો તેને માર મારવામાં આવે છે, આનાથી ઓફિસરોનું મનોબળ તૂટે છે. ખોટું કરનારા સામે કડક પગલાં લેવાય, આવી બાબતો સાંખી લેવાય નહિ.

માલધારી સમાજના વકીલને કોર્ટે કહ્યું કે, માલધારીઓ ઓફિસરો ઉપર હુમલો કરે નહિ, નહિતર પોલીસ સખત પગલાં લેશે. માલધારી સમાજે કહ્યું, અમે કોર્ટના ઓર્ડર અને સરકારની પોલિસી પાળીએ છીએ, અમારાં ઢોર જપ્ત ન કરાય. અરજદારે કહ્યું, ગૌચર જમીન ઉપર દબાણ થયું હોય તો તેને ઓથોરિટી દૂર કરે. છેલ્લી સુનવણી બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓની રખડતાં ઢોર ઉપર મિટિંગ થઈ હતી. મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનો રિપોર્ટ જણાવી પગલાં લેવા જણાવ્યું હતું. તો એ બાબતે કોર્ટે કહ્યું કે, આ પ્રમાણે સતત કામ થાય છે. કેટલાં ઢોર પકડાયાં, કેટલી FIR થઇ, કેટલા ટેગ ઢોરને અપાયાં આ તમામ માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ છે.

અરજદારે કહ્યું કે, આ કામગીરી રખડતાં ઢોર મુદ્દે જ. ટ્રાફિક અને રોડનું શું? તો કોર્ટે સરકારને ઢોર ઉપર જવાબ ચાલુ રાખવા કહ્યું. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રોડને લઈને પણ રિપોર્ટ અપાયો હતો. તેની ઉપર થયેલી કામગીરીનો રિપોર્ટ ફોટા સાથે રજૂ કરાયો. જેમાં રોડનું સરફેસિંગ, દબાણ દૂર કરવાનો, હોર્ડિંગ દૂર કરવાનાં જેવાં કામ કરાયાં. ભાવનગર મહાનગપાલિકા ઉપર સરકારે રજૂઆત કરતા કહ્યું કે, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ મુજબ કામ કરાયું, કામના ફોટોગ્રાફ રજૂ કરાયા છે. તો અરજદારે કહ્યું કે, અમને કોપી નથી મળી. સરકારે કહ્યું, 5 હજાર પાનાથી વધુનો રિપોર્ટ રજૂ કરાયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code