અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેની સુનાવણી દરમિયાન ચાર મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સવાલ કરીને સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે ‘SIT બને છે અને જાય છે, પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યનિસિપલ કમિશનરને કેમ નહીં. શું સરકાર દ્વારા મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે? શું સરકાર આવી બીજી અગ્નિકાંડની રાહ જોઈ રહી છે ત્યારબાદ અધિકારીઓ સામે પગલા લેવાશે ?
ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ આગકાંડ મામલે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન મ્યુનિના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. કે, ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ત્યારે હાઈકોર્ટે મ્યુનિ.કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું કે, મ્યુનિ.કોર્પોરેશન જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તેમ છતાં પગલાં ન લીધા, આગ લાગવાની રાહ જોવાતી હતી. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં કેમ ન લીધા. તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો કેમ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યા નથી. મ્યુનિ.એ એક વર્ષ પહેલાં ડિમોલિશન માટે નોટિસ આપી હતી. એક વર્ષ સુધી મ્યુનિ.કોર્પોરેશન અને કમિશનરે કેમ ડિમોલિશનની કામગીરી ન કરી.
હાઈકોર્ટે સવાલ કર્યો કે રાજકોટ અગ્નિકાંડમાં નાના 5-6 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરોને શા માટે છાવરો છો. શા માટે કમિશનરોને સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ કોર્ટે કર્યો હતો. હવે વધુ સુનાવણી 13મી જુને હાથ ધરાશે. અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે, મે સુઓમોટો માટે અપીલ કરી તેની સામે પણ સરકારનાં મુખ્ય વકીલને વાંધો છે. કેમ ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ સામે નથી આવી રહ્યા. શું કોઈથી ડરી રહ્યા છે, મારી વિનંતી છે કે સાક્ષીઓ કોર્ટ સમક્ષ આવે. કોર્ટે કહ્યું કે દુર્ઘટના પહેલા જેની ગેરકાયદેસર સ્ટ્રકચર દૂર કરવાની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ ન લગાડવી જોઈએ એ સવાલ પણ કોર્ટે કર્યો હતો. સરકાર તરફથી પબ્લીકના પૈસે અધિકારીઓને છાવરવામાં આવે છે તે કેમ ચલાવી લેવાય. રાજકોટ અગ્નિકાંડમાં સાક્ષીઓ કેમ આગળ આવતા ડરે છે.