- વિસાવદરની વિધાનસભાની બેઠક છેલ્લા 10 મહિનાથી ખાલી પડી છે,
- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા,
- અગાઉ ભાજપના હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં રિટ કરી હતી
અમદાવાદઃ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક છેલ્લા 10 મહિનાથી ખાલી પડી છે. વિધાનસભાની પેટાચૂંટણી સાથે પણ વિસાવદર બેઠકની ચૂંટણી યોજી શકાઈ નહતી, કારણ કે વિસાવદરની વિધાનસભાની ચૂંટણી અંગેનો મદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વિસાવદરની વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. આ બેઠક ખાલી પડી હતી પરંતુ તે બાબતે ઇલેક્શન પિટિશન હાઇકોર્ટમાં સુનાવણી માટે પડતર હોવાથી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી એ દસ મહિના પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ બેઠક ખાલી પડી હતી. કૈલાશ સાવલિયા નામના અરજદારે રાજ્યના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવા માટે ઈલેક્શન કમિશનને નિર્દેશ આપવા હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ બેઠક ખાલી પડી હતી. ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને બાદમાં ભાજપમાં જોડાયા હતા.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે જાહેર હિતની અરજી (પીઆઈએલ) ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે ચૂંટણી સામે હારેલા ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ચૂંટણી પિટિશનને ધ્યાનમાં રાખીને આ મતવિસ્તારની પેટા ચૂંટણી યોજી શકાય નહીં. ડિસેમ્બર 2022 માં બેઠકો જીતનારા ધારાસભ્યોએ પાછળથી રાજીનામું આપ્યા પછી ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોમાંથી પાંચ બેઠકો માટે ECIએ ચૂંટણીઓ યોજી હતી. ઇસીઆઇએ જો કે, પેન્ડિંગ ઇલેક્શન પિટિશનના મુદ્દે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર કરી ન હતી.