Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણીપંચ અને સરકારને પાઠવી નોટિસ

Social Share

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતગણતરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. જે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. તેમજ તા. 6 ફેબ્રુઆરી સુધીમાં સોંગદનામુ કરવા નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે અરજી ઉપર વધુ સુનાવણી તા. 9મી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી હતી. જે અનુસાર અમદાવાદ સહિત છ મનપાની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ રીતે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી એક જ દિવસે કરવાની માગણી સાથે હાઇકોર્ટમાં રિટ ફાઇલ કરવામાં આવી હતી. અરજીમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે તો ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા પર વિપરિત અસર થશે. આ કાર્યક્રમના કારણે સ્વતંત્ર ચૂંટણીપ્રક્રિયા નહીં યોજાઇ તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.