Site icon Revoi.in

રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, પોલીસી કેમ બનાવાતી નથી ?

Social Share

અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ચોમાસાની વરસાદી સીઝનમાં તો ઢોર જોહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ઝાટકણી કાઢીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, સરકાર આ મુદ્દે પોલીસી કેમ બનાવતી નથી.

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એ.એસ.સુપેહિઆ અને એમ.આર. મેંગડેની બેન્ચ સમક્ષ  અમદાવાદ શહેર અને રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રોડ અને ટ્રાફિક સમસ્યા પર  સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે AMC અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં દર ચોમાસા દરમિયાન રખડતા ઢોરની સમસ્યા વકરતી હોય છે. આ મુદ્દે હાઈકોર્ટમાં 2019માં રિટ કરવામાં આવી હતી. ગુજરાતની 156 નગરપાલિકા અને 08 મહાનગરપાલિકા આવેલી છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ પણ આ મુદ્દે સરકારને ઠપકો આપીને પગલાં ભરવાની તાકીદ કરી હતી. ફરીવાર હોઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, કોર્ટે જણાવ્યું હતું કે દૈનિકોમાં વાંચવા મળે છે કે રખડતાં ઢોરથી કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તેમના પરિવાર પર શું વિતતી હશે તે વિશે વિચાર્યું છે? સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી હોય તેવું લાગતું નથી. આવા બનાવો કેમ બને છે? ઓથોરિટીને ક્યારે સમજાશે કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ છે.

કોર્ટે AMCને પૂછ્યું હતું કે, રખડતાં ઢોર મુદ્દે AMCએ આ અંગે કોઈ પોલિસી બનાવી છે? જેના જવાબમાં કોર્ટને જાણવા મળ્યું હતું કે, AMC દ્વારા પોલિસી બનાવવામાં આવી હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ તેને રિજેક્ટ કરી છે. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જે-તે વિસ્તારમાં રખડતા ઢોર માટે જવાબદાર ઓફિસરો સામે પગલાં લેવાયા છે કે કેમ? તમે હજુ કોઈના મરવાની રાહ જોઈ રહ્યા છો? આ મુદ્દે કોર્ટ તરફથી કાર્યવાહી કરાઈ છે. તમારા તરફથી શું પગલાં લેવાયા છે? તેના પ્રત્યુતરમાં AMC તરફથી કહેવાયું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોન માટે 22 કેટલ ટીમ તૈયાર કરાઈ છે. કુલ 1364 રખડતાં ઢોર ગત ઓગસ્ટ મહિનાથી એપ્રિલ મહિના સુધી પકડવામાં આવ્યા છે. હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારને કહ્યું હતું કે, અમારે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ જોઈએ છે. AMC રખડતા ઢોરના મુદ્દે પોલિસી બનાવી કામ કરે અન્ય લોકલ બોડી પણ તેને ફોલો કરશે. ગુજરાત સરકારને આ બાબતમાં રસ લાગતો નથી. રાજસ્થાન અને અન્ય રાજ્યમાં આ અંગે પોલિસી છે. તો ગુજરાતમાં કેમ નહીં? તમે ગુજરાતના નાગરિકોને ઢોર સાથેના અકસ્માતમાં મોત થતાં ઈચ્છો છો? સ્ટેન્ડિંગ કમિટીએ કમિશ્નરના પ્રપોઝલને પાછું કેમ મોકલ્યું? કોર્ટે આ મુદ્દે AMC પાસેથી સતત પોલિસી અને રાજ્ય પાસેથી પોઇન્ટેડ પ્રપોઝલ માંગ્યું હતું. જેમાં રાજ્ય સરકાર સંમત થઇ હતી. કોર્ટે રાજ્ય સરકારને એવી ફોર્મલાઈઝ ગાઈડલાઈન બનાવવા જણાવ્યું છે કે જેને દરેક લોકલ બોડી અનુસરે. અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તે જરૂરી છે.

ટ્રાફિકની સમસ્યા પર કોર્ટે કહ્યું હતું કે, જે લોકો રોંગ સાઈડ વાહન ચલાવે છે તે માટે શું પગલાં લીધા છે? લોકો ફ્લાય ઓવર પર પણ રોંગ સાઈડમાં જાય છે. ટ્રાફિક પોલીસ જોવે છે પણ રોકતી નથી. રોંગ સાઈડના વાહનોથી અકસ્માત થવાની શક્યતા સૌથી વધુ છે. આ મુદ્દે રાજ્ય સરકારે CCTV અને ઇ-ચલણ જેવા ઉપાયો કરાયા હોવાનું કોર્ટને જણાવ્યું હતું. આ મુદ્દે કોર્ટે હવે આવતા મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે.