અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. દરમિયાન રાજ્યની વડી અદાલતે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો હતો. રાજ્યની વડી અદાલતમાં રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અને પાર્ટી ઇન પર્સન એડવોકેટે જણાવ્યું હતું કે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટને ટ્રાફિકને નડતરરૂપ એવા દરેક દબાણ હટાવવા હાઇકોર્ટ દ્વારા અગાઉ હુકમ કરાયો છે. ટ્રાફિક પોલીસને પણ નિર્દેશો અપાયા છે. સુપ્રીમ કોર્ટે પણ ફૂટપાથ રાહદારીઓ માટે જ છે, તેવા આદેશ આપ્યા છે. વાહનો રોડ ઉપર, સર્વિસ રોડ ઉપર, હોસ્પિટલ અને એજ્યુકેશન સંસ્થાઓની બહાર પાર્ક કરી શકાય નહીં.
કોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક હેન્ડલિંગ માટે વૈજ્ઞાનિક મિકેનિઝમ અપનાવવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે, આ માટે કોમન સેન્સની જરૂર છે. અમે જોઈએ છીએ કે બધી જ લારીઓ, ફાસ્ટફૂડ, પાનના ગલ્લા જ્યાં હોય ત્યાં લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અડધા રોડ ગેરકાયદેસર પાર્કિંગથી ભરેલા છે. લોકો ‘નો પાર્કિંગ ઝોન’માં પણ પાર્કિંગ કરી જાય છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કાયદાનો અમલ કરાવતી સંસ્થા અને રાજ્યની છે. લોકો કાયદાનું પાલન નથી કરતા એટલે જ તો કાયદાના અમલની જરૂર છે. તમારે પીક અવર્સમાં શહેરનાં મોટાં જંક્શન પર પોલીસ કર્મચારીઓ મૂકવા જોઈએ. ચોવીસ કલાક રસ્તાઓ પર પોલીસ રાખવાની જરૂર નથી. દરમિયાન કોર્ટે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો છે. અમને ઓથોરિટીના ટ્રાફિક સમસ્યા હળવી કરવા મુદ્દે પ્રયત્નો દેખાતા નથી.