અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સારબમતી નદીમાં પ્રદુષણને લઈને તંત્ર સામે અગાઉ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા નદીની સફાઈ અને પ્રદુષણ ઘટાડવા અંગે પગલા લેવાયાના દાવા કરવામાં આવે છે. જો કે, નદીમાં પ્રદુષણ જેમનું તેમ હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યની વડીઅદાલતે સાબરમતી નદીના પ્રદુષણની ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરી હતી.
રાજ્યની વડી અદાલતમાં કોર્ટ મિત્ર દ્વારા કેટલાક પુરાવા રજુ કરીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટ મિત્રએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સાબરમતી નદીની સાથે અન્ય નદીઓ પણ પ્રદુષિત થઈ રહી છે. ખંભાતના અખાત સુધી પાણીનું પ્રદુષણ થતું અટકાવવું જરુર છે. આ ઉપરાંત કોર્ટ મિત્રએ પાણીના કેટલાક પુરાવા પણ રજુ કર્યાં હતા. સાબરમતી નદીના દુષિત પાણીના પુરાવા જોઈને અદાલતે આકરુ વલણ અપનાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આટલું ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય. સરકારે આ મુદ્દે ગંભીર બનીને પગલા લેવા જોઈએ. આ મુદ્દે વધુ સુનાવણી તા. 13 જાન્યુઆરીના રોજ યોજાશે.