- તરખેડા ગામે રોડ હોવાથી પ્રસુતાનું હોસ્પિટલ લઈ જતાં મોત નિપજ્યુ હતું.
- હાઈકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસે માગ્યો ખૂલાશો,
અમદાવાદઃ છોટા ઉદેપુરના તુરખેડા ગામે વહેલી સવારે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેના પરિવારજનો રોડ-રસ્તાની સુવિધા ન હોવાથી એમ્બ્યુલન્સ કે કોઈ વાહન આવી શકે તેમ ન હોય ઝોળીમાં મહિલાને નાખીને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં મહિલાનું મોત નિપજ્યું હતુ. આ અંગેના સમાચારો મીડિયામાં પ્રસિદ્ધ થતાં જેથી ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને રાજ્યના ચીફ સેક્રેટરી પાસે ખૂલાશો માગ્યો છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને નીશા ઠાકોરની બેન્ચે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે, આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને ઝોળીમાં નાખીને પરિવારના લોકો ચાલતા 5 કિમી દૂર લઈ જતાં હતાં. જ્યાં 108 એમ્બ્યુલન્સ આવવાની હતી. આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ સરકાર આવી જગ્યાએ રોડ કેમ બનાવી શકતી નથી.
ગુજરાત હાઈકોર્ટમાં જજ બીરેન વૈષ્ણવ અને નીશા ઠાકોરની બેન્ચ દ્વારા મીડિયાના અહેવાલને આધારે સુઓમોટો અરજી દાખલ કરી હતી. તરખેડા ગામે રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઇ તેને દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. કેટલાક વર્ષોથી ગામડાંના લોકો સરકાર પાસે રોડની માગ કરી રહ્યા હતા. ટેન્ડર નીકળે પાંચ વર્ષ થઇ ચૂ્ક્યા છે પણ કશું જ થયું નથી. આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી. આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે. આ ગામડું નર્મદાના કિનારે આવેલું છે. નર્મદામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાત કરીએ છીએ.
હાઇકોર્ટે રજીસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઓકટોબરે જવાબ આપે. કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની તેનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે. કોર્ટના આ હુકમની કોપી એડવોકેટ જનરલને પણ મોકલી આપવામાં આવે. સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેમની તકલીફ જાણવામાં આવશે. ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. તે પણ જોવામાં આવશે કે, ગામડામાં કેવી સુવિધાઓ છે.