અમદાવાદઃ ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી છે. દરેક ઉત્સવને ઉલ્લાસથી મનાવવામાં આવતા હોય છે. મકરસંક્રાતિના પર્વે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય છે. ત્યારે પતંગો બનાવવી પણ એક કળા છે. અમદાવાદ સહિત નાના-મોટા શહેરોમાં પતંગો બનાવવામાં આવતી હોય છે પણ ખંભાતની પતંગોની માગ ખૂબ રહેતી હોવાથી નાના એવા આ શહેરમાં પતંગ ઉદ્યોગ સારાએવો ખિલ્યો છે. ખંભાતની પતંગો વખણાય છે. ઉતરાયણ ના પર્વમાં ખંભાતી પતંગની માંગ સુરત સહિતના શહેરોમાં વધુ જોવા મળે છે. દેશ વિદેશમાં ખંભાતની પતંગો એ પતંગ રસીકોની હોટફેવરીટ ગણાય છે, ત્યારે ઉતરાયણ આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખંભાતમાં પતંગનાં કારીગરો પતંગોનું વધુ ઉત્પાદન કરી રહ્યા છે. ખંભાતનો પતંગોનો ગૃહ ઉદ્યોગ 7 હજાર પૈકી 4 હજારથી વધુ મહિલા કારીગરોને રોજગારી પુરી પાડી રહ્યો છે.
ખંભાત શહેરની ખંભાતી પતંગ એ પતંગ રસિકોની પ્રથમ પસંદ ગણાય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે પતંગોનું ઉત્પાદન 50 ટકા થયું હતું. ત્યારબાદ બજાર જામતા પતંગોના ઉત્પાદન 30 ટકા વધીને 80 ટકાએ પહોંચ્યું હતું. ખંભાતી પતંગની માંગ વિસ્તરી રહી છે. જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે. ખંભાતના પતંગના ઉત્પાદકો વર્ષે રૂ.5 કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રીટેઈલમાં વેચાણ કરતા હતા. પરંતુ આ વર્ષે પતંગ ઉત્પાદકોએ 8 કરોડથી વધુ પતંગો બનાવી છે. જેનાથી ખંભાતમાં પતંગ ઉદ્યોગ 50 કરોડનાં ટર્ન ઓવરને પાર કરશે. તેવો અંદાજ છે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલાં પતંગ રસિકો અહીયાં પતંગોની ખરીદી કરવા આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિર્માણમાં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં 7000 જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે. જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે.એક અંદાજ મુજબ માત્ર સુરતમાં ખંભાતની 70 લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે. ખંભાતી પતંગો મનમોહક, કલાત્મક હોય છે. છેલ્લાં 20 વર્ષથી દર વર્ષે પરિવાર સાથે તો ક્યારેક મિત્રો સાથે ખંભાતી પતંગો ખરીદવા આવું છું. ખંભાતી પતંગ ચગવામાં સરળ અને દેખાવમાં સુંદર હોઈ છે અને એ આકર્ષણ ખંભાત સુધી ખેંચી લાવે છે.